કર્ણાટક હાઈ કોર્ટનાં મહિલા જજનો વાજબી સવાલ કરતો વિડિયો વાઇરલ

02 September, 2024 07:44 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

દર મહિને માત્ર ૧૨,૦૦૦ રૂપિયા કમાતો પતિ બાળકના ભરણપોષણ માટે પત્નીને ૧૦,૦૦૦ રૂપિયા આપી દેશે તો પછી પોતે જીવશે કેવી રીતે?

મહિલા જજ

કર્ણાટકમાં બાળકના ભરણપોષણના એક કેસની કોર્ટ-કાર્યવાહીનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં ૧૨,૦૦૦ રૂપિયાની માસિક ટેક-હોમ સૅલેરી ધરાવતા પતિ પાસેથી બાળકના ભરણપોષણ માટે ૧૦,૦૦૦ રૂપિયાની પત્નીની માગણી સામે આશ્ચર્યમાં મુકાયેલાં મહિલા જજ સવાલ કરે છે કે તો આ માણસ જીવશે કેવી રીતે?
 
કર્ણાટક હાઈ કોર્ટમાં કોર્ટ-કેસના હિયરિંગનું લાઇવ-સ્ટ્રીમિંગ થાય છે અને એમાંથી એક વિડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડિયો મુદ્દે પણ લોકોએ જાત-જાતની પ્રતિક્રિયાઓ આપી છે. 
 
આ કેસમાં ટ્રાયલ કોર્ટે બાળકના ભરણપોષણ માટે દર મહિને પતિને ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો અને એના વિરોધમાં તેણે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટની કાર્યવાહી વખતે જ્યારે મહિલા જજને ખબર પડી કે પતિનો પગાર મહિને ૧૮,૦૦૦ રૂપિયા છે અને તેના હાથમાં ૧૨,૦૦૦ રૂપિયા આવે છે તો તેણે સવાલ કર્યો હતો કે તો પછી આ માણસ જીવશે કેવી રીતે?
મહિલાના વકીલે જણાવ્યું કે તેનો પગાર ૬૨,૦૦૦ રૂપિયા છે ત્યારે પતિના વકીલે તેની ૧૨,૦૦૦ રૂપિયા સૅલેરીની વાત કરી હતી. આ સમયે જજે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટ ૧૦,૦૦૦ રૂપિયાના માસિક ભરણપોષણની વાત કેવી રીતે કરી શકે? પત્નીની માગણી કંઈ પણ હોઈ શકે, પણ આટલી રકમ પતિ કેવી રીતે આપી શકે? જજે કહ્યું કે પતિનો પગાર વધે તો પત્ની વધારે ભરણપોષણ માગવા માટે અલગથી અરજી કરી શકે છે.
karnataka high court karnataka national news india social media social networking site