12 March, 2023 04:22 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) હોળીના (Holi) અવસરે એક જાપાની મહિલાને કેટલાક લોકો દ્વારા કહેવાતી રીતે હેરાન કરવામાં આવતા અને તેને જબરજસ્તી સ્પર્શ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ મામલે દિલ્હી પોલીસે એક કિશોર સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક લોકો એક વિદેશીને રંગ લગાડી રહ્યા છે અને તે વિદેશી મહિલા અસહજ થતી જોવા મળે છે.
વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે એક વ્યક્તિ તેના માથે ઈંડું ફોડી દે છે. તે `બાય બાય` કહેતી સાંભળી શકાય છે. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું રે છોકરીઓ કોઈ ફરિયાદ નથી કરી, પણ પોલીસે જાતે નોંધ લેતા ભારતીય દંડ સંહિતાની કલમ 354 હેઠળ પ્રાથમિકી નોંધી છે. પોલીસ પ્રમાણે આ વીડિયો આઠ માર્ચના હોળીના દિવસનો છે અને આને પહાડગંજમાં શૂટ કરવામાં આવ્યો છે.
જાપાની મહિલાએ વીડિયો ટ્વીટ કર્યો ડિલીટ
ન્યૂઝ એજન્સી પીટીઆઈ ભાષા પ્રમાણે દિલ્હી પોલીસનું કહેવું છે કે વીડિયોમાં દેખાતી છોકરી જાપાની પર્યટક છે, જે પહાડગંજમાં રોકાઈ હતી અને શુક્રવારે તે બાંગ્લાદેશ નીકળી ગઈ. જાપાની મહિલાએ શનિવારે વારાફરતી ટ્વીટ કરીને જણાવ્યું કે તેણે ઘટનાનો વીડિયો પોસ્ટ કર્યો હતો પણ પછીથી તેને ખસેડી લીધો. મહિલાએ ટ્વીટ કર્યું, "નવ માર્ચે મેં ભારતીય તહેવાર હોળીનો વીડિયો ટ્વીટ કર્યો હતો. ત્યાર બાદ મારી કલ્પનાથી પરે અનેક ખૂબ જ વાંધાજનક મેસેજિસ આવવા માંડ્યા. જેથી હું ડરી ગઈ અને ટ્વીટ ખસેડી લીધું. હું તે લોકોની માફી માગું છું જે વીડિયોથી દુઃખી થયા."
જાપાની મહિલાએ કહ્યું, "મેં સાંભળ્યું હતું કે હોળીના દિવસે એકલી મહિલાનું બહાર જવું ખૂબ જ જોખમી હોય છે. હકિકતે, હું ભારતીય તહેવારમાં સામેલ થવા માગતી હતી, આથી મેં 35 અન્ય મિત્રો સાથે ભાગ લીધો, પણ દુર્ભાગ્યે આ સ્થિતિ સર્જાઈ." મહિલાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, "વીડિયોમાં જોવું મુશ્કેલ છે કે કેમેરામેન અને અન્યએ અમારી રસ્તામાં મદદ કરી. વીડિયો જ્યાં રેકૉર્ડ કરવામાં આવ્યો, તે ભારતનું સૌથી અસુરક્ષિત સ્થળ માનવામાં આવે છે અને મેં તહેવારમાં ભાગ લીધો." જાપાની મહિલા પ્રમાણે `અસલી હોળી` શાનદાર તહેવાર છે, જેમાં લોકો વસંતના આવાનો ઉત્સવ એકબીજા પર કલર અને સામાજિક દરજ્જાથી પરે જઈને પાણી નાખીને ઉજવે છે. તેમ છતાં ટ્વિટર પર વીડિયો દ્વારા અનેક લોકોને ચિંતિત કરવા માટે હું માફી માગું છું. જ્યારે મારો હેતુ સકારાત્મક પાસું અને ભારતના આનંદને બતાવવાનો હતો. હું ખરેખર માફી માગું છું. મહિલાએ કહ્યું કે જ્યારે ઘટના સામે આવી તો પોલીસે કાર્યવાહી કરવાનો વાયદો કર્યો અને હું આશા રાખું છું આવતા વર્ષે હોળીના સમયે મહિલાઓના ઉત્પીડનમાં ઉલ્લેખનીય ઘટાડો આવશે.
આઈપીસીની કલમ 354 હેઠળ કેસ દાખલ
આ મામલે સેન્ટ્રલ દિલ્હીના ડીસીપી સંજય કુમાર સેને જણાવ્યું કે વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. ભારતીય દંડ સંહિતાની કલમ 354 હેઠળ પ્રાથમિકી દાખલ કરવામાં આવી છે. આ કેસમાં એક કિશોર સહિત ત્રણ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેયએ વીડિયોમાં દેખાતી ઘટનામાં પોતે હતા તે સ્વીકારી લીધું છે અને તે પહાડગંજની આસપાસના રહેવાસી છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે છોકરીએ કોઈ ફિયાદ નથી કરી અને ન તો તેણે પોતાના દેશના દૂતાવાસનો સંપર્ક કર્યો છે. દૂતાવાસના એક અધિકારીએ એક ઈ-મેઈલના જવાબમાં કોઈ ફિયાદ ન કરવાની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો : મહિલાઓ હેલ્થ બેનિફિટ માટે પગારમાં સમાધાન કરવા તૈયાર : સર્વે
મહિલા આયોગ તરફથી નોટિસ જાહેર કરી દિલ્હી પોલીસ મહિલા આયોગના અધ્યક્ષા સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે તે આ વીડિયોની તપાસ કરવા તેમજ ગુનેગારોની ધરપકડ માટે દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરી રહી છે. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ વીડિયોને ધ્યાનમાં લીધો છે અને દિલ્હી પોલીસને આ મામલે પ્રાથમિકી નોંધવાના નિર્દેશ આપ્યા હતા. આ દરમિયાન દિલ્હી પોલીસે લોકોને અપીલ કરી છે કે તે રાષ્ટ્રીય રાજધાનીમાં હોળીના દિવસે થયેલા અપરાધોની સંખ્યાને લઈને `ભ્રામક સૂચના` સોશિયલ મીડિયા પર શૅર ન કરવી.