09 January, 2025 07:10 AM IST | Karnataka | Gujarati Mid-day Correspondent
જગદીપ ધનખડ
કર્ણાટકમાં શ્રી મંજુનાથ મંદિરમાં દેશના સૌથી મોટા ક્યુ કૉમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યા બાદ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘VIP સંસ્કૃતિને દેશમાં ખતમ કરી દેવામાં આવવી જોઈએ, ખાસ કરીને મંદિરોમાં, કારણ કે VIP દર્શનનો વિચાર જ ઈશ્વરના વિરોધમાં છે. કોઈને જ્યારે પ્રાધાન્ય કે પ્રાથમિકતા આપવામાં આવે છે એને આપણે VIP કે VVIP કહીએ છીએ. આ તો સમાનતાની અવધારણાને ઓછી આંકવા બરાબર છે. VIP સંસ્કૃતિ એક પ્રકારનું અતિક્રમણ છે. સમાજમાં એને સ્થાન ન હોવું જોઈએ અને ખાસ કરીને ધાર્મિક સ્થળોમાં તો જરાય એને સ્થાન ન હોવું જોઈએ.’
ભગવાન શિવના એક સ્વરૂપ એવા શ્રી મંજુનાથ મંદિરમાં ‘શ્રી સાંનિધ્ય’ના નામથી ક્યુ કૉમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે જે ૨,૭૫,૧૭૭ સ્ક્વેરફુટમાં ફેલાયેલું છે. ત્રણ માળનું આ મકાન છે જેમાં ૧૬ હૉલ તૈયાર કરવામાં આવ્યા છે. આ હૉલમાં એકસાથે ૬૦૦થી ૮૦૦ ભાવિકો બેસી શકે એવી સુવિધા છે. આ સુવિધામાં એકસાથે ૧૦,૦૦૦થી ૧૨,૦૦૦ લોકોને બેસવાની વ્યવસ્થા છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમનાં પત્ની સુદેશ ધનખડ સાથે આ મંદિરમાં દર્શન કર્યાં હતાં.