શા માટે ૨૬ ડિસેમ્બરે મનાવવામાં આવે છે વીર બાલ દિવસ?

27 December, 2024 02:58 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સિખ ધર્મના દસમા ગુરુ ગુરુ ગોવિંદ સિંહજીના બે નાના સાહિબજાદા જોરાવર સિંહ અને ફતેહ સિંહને સન્માનિત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે

જોરાવર સિંહ અને ફતેહ સિંહ

વીર બાલ દિવસ દર વર્ષે ૨૬ ડિસેમ્બરે મનાવવામાં આવે છે. સિખ ધર્મના દસમા ગુરુ ગુરુ ગોવિંદ સિંહજીના બે નાના સાહિબજાદા જોરાવર સિંહ અને ફતેહ સિંહને સન્માનિત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. આ યુવા સાહિબજાદાએ ધર્મ અને માનવતા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું. તેમના જ સન્માન અને યાદમાં વીર બાલ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનું મહત્ત્વ અને એની પાછળની કહાની નીચે મુજબ છે...

મોગલો સામેનો જંગ

સિખ ધર્મના દસમા ગુરુ શ્રી ગોવિંદ સિંહજીએ ૧૬૯૯માં બૈસાખીના દિવસે ખાલસા પંથની સ્થાપના કરી હતી. તેમના ચાર પુત્રો અજિત સિંહ, જુઝાર સિંહ, જોરાવર સિંહ અને ફતેહ સિંહ પણ ખાલસાનો હિસ્સો હતા. એ સમયે પંજાબમાં મોગલોનું શાસન હતું. ૧૭૦૫માં મોગલોએ ગુરુ ગોવિંદ સિંહજીને પકડવા માટે પૂરું જોર લગાવી દીધું હતું જેના કારણે તેમને પરિવારથી વિખૂટા પડવું પડ્યું હતું. એને કારણે ગુરુ ગોવિંદ સિંહનાં માતા ગુજરીદેવી અને તેમના ૯ અને ૬ વર્ષના બે નાના પુત્રો જોરાવર સિંહ અને ફતેહ સિંહ તેમના રસોઇયા ગંગુ સાથે ગુપ્ત સ્થળે છુપાઈ ગયાં હતાં.

મોગલો સામે શરણે આવવાનો ઇનકાર

જોકે લાલચના કારણે ગંગુએ માતા ગુજરીદેવી અને તેમના બે પૌત્રોની જાણકારી આપી દેતાં તેમને મોગલોએ પકડી લીધા હતા. મોગલોએ તેમના પર ખૂબ અસહ્ય અત્યાચાર કર્યા અને તેમને ધર્મપરિવર્તન કરવા માટે મજબૂર કરવા લાગ્યા. જોકે તેમણે ધર્મપરિવર્તન કરવાની ના પાડી દીધી. ત્યાં સુધીમાં ગુરુ ગોવિંદ સિંહજીના બે મોટા પુત્રો અજિત સિંહ અને જુઝાર સિંહ મોગલો સામેની લડાઈમાં શહીદ થઈ ચૂક્યા હતા. છેવટે ૨૬ ડિસેમ્બરે મોગલોએ બાબા જોરાવર સાહિબ અને બાબા ફતેહ સિંહ સાહિબને જીવતા દીવાલમાં ચણાવી દીધા હતા. તેમની શહાદતની જાણકારી મળતાં દાદી ગુજરીદેવીએ પણ તેમના પ્રાણ ત્યજી દીધા હતા.

ક્યારે શરૂ થઈ વીર બાલ દિવસ મનાવવાની પરંપરા?

ગુરુ ગોવિંદ સિંહજીના આ બે પુત્રોના બલિદાનને યાદ કરવા માટે ૨૦૨૨માં ભારત સરકાર દ્વારા દર વર્ષે ૨૬ ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરવામાં આવી. આ દિવસે દેશની સ્કૂલો, કૉલેજો અને ગુરુદ્વારાઓમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

વીર બાલ દિવસ એટલે...

સાહસ અને બલિદાનનું પ્રતીક : વીર બાલ દિવસ આપણને સાહસ અને બલિદાનની કહાની યાદ દેવડાવે છે. જોરાવર સિંહ અને ફતેહ સિંહે મુગલ શાસકોના અત્યાચારોનો અડીખમ રહીને સામનો કર્યો અને ધર્મ નહીં બદલવાના કસમ ખાધા હતા.

ધર્મ પ્રત્યે નિષ્ઠા : આ બન્ને સાહિબજાદાએ પોતાના જાનની બાજી લગાવીને ધર્મ પ્રત્યે નિષ્ઠાનો પરિચય કરાવ્યો હતો. તેમણે સાબિત કરી દીધું હતું કે ધર્મ કેવળ રીતરિવાજ સુધી સીમિત નથી, પણ એ આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે.

બાળપણમાં જ બલિદાન: સાહિબજાદા જોરાવર સિંહની ઉંમર ત્યારે ૯ વર્ષ અને ફતેહ સિંહની ઉંમર ૬ વર્ષ હતી. આટલી નાની ઉંમરે તેમણે તેમના પ્રાણનું બલિદાન આપી દીધું હતું. તેમનું આ બલિદાન ઇતિહાસનાં સુવર્ણ પાનાંઓમાં નોંધાઈ ચૂક્યું છે. આ વાત આપણને પ્રેરિત કરે છે કે આપણા જીવનમાં કઠિનાઈઓનો સામનો કરતી વખતે ધૈર્ય અને દૃઢતા બનાવી રાખવી જોઈએ.

રાષ્ટ્રીય એકતા : વીર બાલ દિવસ આપણને રાષ્ટ્રીય એકતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. આ સાહિબજાદાએ તમામ ધર્મના લોકોને એક થવાનો સંદેશ આપ્યો હતો.

india national news news