17 November, 2024 09:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વંદે ભારત ટ્રેનની ફાઇલ તસવીર
અવારનવાર વંદે ભારત ટ્રેનના પેસેન્જરને પીરસવામાં આવતા ફૂડ (Vande Bharat Food)માંથી જીવાત નીકળતી હોય છે. તાજેતરમાં જ શનિવારે તિરુનેલવેલી અને ચેન્નઈ એગમોર વચ્ચે દોડી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના પેસેન્જરના ફૂડમાં જીવાત મળી આવી હતી. આ મામલો પ્રકાશમાં આવતા જ રેલવેએ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.
કેટરર પર પચાસ હજારનો દંડ ફટકારાયો
જ્યારે પીરસવામાં આવેલ ફૂડ (Vande Bharat Food)માં જીવાત મળી આવી ત્યારબાદ આ બાબતને ગંભીરતાથી લઈને દક્ષિણ રેલવેએ પેસેન્જરની માફી માંગી હતી. એટલું જ નહીં રેલવે દ્વારા ટ્રેનના ફૂડ સર્વિસ પ્રોવાઈડર એટલે કે કેટરર પર 50,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. રેલવેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ કાર્યવાહીની માહિતી શૅર કરી હતી.
સાંભારમાં મળી આવ્યા કીડા- પેસેન્જર રોષે ભરાયા
શનિવારે જે મામલો સામે આવ્યો છે તેની વાત કરવામાં આવે તો તિરુનેલવેલી-ચેન્નઈ એગમોર વંદે ભારત ટ્રેનમાં એક યાત્રીને પીરસવામાં આવેલા સાંભારમાં જીવાત જોવા મળી હતી. પેસેન્જરે તેનો ફોટો અને વિડીયો લઈ લીધો હતો. ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો અને આ મામલે રેલવેમાં ફરિયાદ નોંધાવી હતી.
જે વિડીયો સામે આવ્યા હતા તેમાં જોઈ શકાતું હતું કે સાંભાર (Vande Bharat Food)માં બ્લેક જીવાત તરી રહી હતી. આવો સૂગ ચડે એવો વિડીયો જોયા બાદ અનેક લોકો ગુસ્સે થઈ ગયા હતા અને પ્રીમિયમ સર્વિસમાં આપવામાં આવતા ફૂડની ગુણવત્તા પર સવાલો ઉઠાવવા લાગ્યા હતા.
આ મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે વિડીયો શૅર કરીને સવાલો ઉઠાવ્યા હતા. તેઓએ વંદે ભારત ટ્રેનોમાં સ્વચ્છતાના ધોરણો પર સવાલ પણ ઉઠાવ્યા હતા. તેઓએ પોસ્ટ મૂકતાં લખ્યું હતું કે, “પ્રિય અશ્વિની વૈષ્ણવ જી, તિરુનેલવેલી-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસમાં પીરસવામાં આવતા ફૂડમાં જીવાત મળી આવી છે. પેસેન્જરોએ IRCTCની સ્વચ્છતા અને જવાબદારી અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ સમસ્યાનો સામનો કરવા અને પ્રીમિયમ ટ્રેનોમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કયા પગલાં લેવામાં આવી રહ્યા છે?’
આ મામલે (Vande Bharat Food) રેલવેએ કેટરર પાસે દંડ વસૂલીઓ છે. રેલવેએ આ અંગે એક નિવેદન જાહેર કર્યું હતું તેમાં જણાવાયું છે કે આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ડીંડીહુલ સ્ટેશન પર આરોગ્ય નિરીક્ષકોએ ફૂડ પેકેજોનું નિરીક્ષણ પણ કર્યું હતું. તેમના તારણો અનુસાર જએલ્યુમિનિયમના કન્ટેનરના ઢાંકણ સાથે જીવાત ચોંટી ગઈ હતી. જોકે તે અંદર નહોતી. આ કારણોસર કેટરર પાસે પચાસ હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે.
ફૂડમાં જીવાતનું કારણ શોધવા માટે ખોરાકના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. આ બેદરકારી બદલ વૃંદાવન ફૂડ પ્રોડક્ટ્સના કોન્ટ્રાક્ટર પર રૂ. 50,000 નો દંડ વસૂલવામાં આવ્યાની વાત સામે આવી છે.