26 January, 2025 11:45 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
ટ્રેન ચેનાબ નદી પરના બ્રિજ પરથી પસાર થતી જોવા મળે
શ્રી માતા વૈષ્ણોદેવી રેલવે-સ્ટેશન, કટરાથી શ્રીનગર વચ્ચે દોડાવવામાં આવનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ગઈ કાલે ટ્રાયલ-રન કરવામાં આવ્યું હતું અને આ દરમ્યાન આ ટ્રેન જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર બાંધવામાં આવેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે-બ્રિજ પરથી પસાર થઈ હતી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે. ટ્રાયલ-રન વખતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અંજી ખડ બ્રિજ પરથી પણ પસાર થઈ હતી જે ભારતનો પહેલો કેબલ-સ્ટેઇડ રેલવે-બ્રિજ છે.
રેલવેપ્રધાન અશ્વિની વૈષણવે સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલા આ ટ્રાયલ-રનનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો, જેમાં આ ટ્રેન ચેનાબ નદી પરના બ્રિજ પરથી પસાર થતી જોવા મળે છે. આ બ્રિજ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિન્ક પર બાંધવામાં આવ્યો છે જે રિયાસી જિલ્લાના બક્કલ અને કૌરી વચ્ચે આવેલો છે. આ બ્રિજ જમીનથી ૩૫૯ મીટર ઊંચો છે અને એ ૨૦૨૨માં ઑપરેશનલ થયો હતો. ચેનાબ નદી પર બ્રિજ બનાવવામાં ભારતીય રેલવેને ૨૦ વર્ષથી વધારે સમય લાગ્યો છે. આ એક કમાન આકારનો બ્રિજ છે જે જગવિખ્યાત આઇફલ ટાવરથી પણ ૩૫ મીટર વધારે ઊંચો છે. આ બ્રિજ એની ટેક્નિકલ અદ્વિતીયતા અને ભવ્યતા માટે પ્રસિદ્ધ છે. જ્યારે આ બ્રિજ પરથી વંદે ભારત એક્સપ્રેસ પસાર થઈ ત્યારે એ ક્ષણ ઐતિહાસિક બની ગઈ હતી.
આ છે અલગ ટાઇપની વંદે ભારત એક્સપ્રેસ
આ ટ્રેનને કાશ્મીર ખીણના તાપમાનને અનુરૂપ તૈયાર કરવામાં આવી છે. દેશના અન્ય ભાગોમાં દોડતી વંદે ભારત ટ્રેનો કરતાં આ ટ્રેન થોડી અલગ છે. એમાં ઍડ્વાન્સ્ડ હીટિંગ સિસ્ટમ છે જે પાણી અને બાયો-ટૉઇલેટની ટૅન્કોમાં પાણીને જામી જતું રોકી શકશે. એમાં ઍર બ્રેક સિસ્ટમ લગાવવામાં આવી છે જે ઝીરો ડિગ્રી ટેમ્પરેચરમાં પણ સારી રીતે કામ કરી શકશે. ટ્રેનના વિન્ડશીલ્ડમાં એમ્બેડેડ હીટિંગ સિસ્ટમ છે જે ડ્રાઇવરની સામેના લુકઆઉટ ગ્લાસને ઑટોમૅટિક ડીફ્રૉસ્ટ કરશે, જેનાથી ખૂબ ઠંડીમાં પણ ક્લિયર વિઝિબિલિટી સુનિશ્ચિત રહેશે.