ટનલમાં દિવાળીના દિવસથી શ્વાસ અધ્ધર થયા હતા, ક્યારે શું થયું હતું?

24 November, 2023 09:30 AM IST  |  Uttarkashi | Gujarati Mid-day Correspondent

ઉત્તરકાશીના સિલ્ક્યારામાં અન્ડર-કન્સ્ટ્રક્શન ટનલમાં દિવાળીના દિવસથી ૪૧ વર્કર્સ ફસાયા હતા

ઉત્તરકાશીમાં ગઈ કાલે સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા ૪૧ વર્કર્સના રેસ્ક્યુ ઑપરેશન દરમ્યાન ટનલ પાસે પ્રાર્થના કરી રહેલા સ્થાનિક લોકો (તસવીર : પી.ટી.આઇ.)

ઉત્તરાખંડના ઉત્તરકાશીના સિલ્ક્યારામાં અન્ડર-કન્સ્ટ્રક્શન ટનલમાં દિવાળીના દિવસથી ૪૧ વર્કર્સ ફસાયા હતા.

૧૨ નવેમ્બર

ઉત્તરકાશીના યમુનોત્રી નૅશનલ હાઇવે પર સિલ્ક્યારાથી ડંડાલગાંવ સુધીની અન્ડર-કન્સ્ટ્રક્શન ટનલની અંદર ભેખડ ધસી પડવાના ન્યુઝ આવ્યા હતા, જેના લીધે આ ટનલનો એક ભાગ ધરાશાયી થતાં વર્કર્સ ફસાયા હતા. ઍમ્બ્યુલન્સ, ફાયર અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એ દરમ્યાન ફસાયેલા વર્કર્સ સુધી પાણી પહોંચાડવા માટે નાખવામાં આવેલી પાઇપ દ્વારા ઑક્સિજન સપ્લાય પણ શરૂ કરવામાં આવ્યો હતો. એનડીઆરએફ (નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ)ની ટીમ્સે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી.

૧૩ નવેમ્બર

રેસ્ક્યુને સંબંધિત હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો. ફસાયેલા વર્કર્સનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તરાખંડના કોટદ્વાર અને પિથોરાગઢના બે સહિત બિહારના ચાર, પશ્ચિમ બંગાળના ત્રણ, આસામના બે, ઝારખંડના ૧૫, ઉત્તર પ્રદેશના આઠ, હિમાચલ પ્રદેશના એક અને ઓડિશાના પાંચ વર્કર્સ સામેલ છે. દરમ્યાન જાણકારી આવી હતી કે રેસ્ક્યુ ટીમ ટનલમાં ૧૫ મીટર સુધી પહોંચી ગઈ છે. પાઇપ દ્વારા ભોજન અને પાણીની સાથે વર્કર્સને ઑક્સિજન પહોંચાડવામાં આવ્યો.

૧૪ નવેમ્બર

૯૦૦ મિલીમીટરના વ્યાસના પાઇપ અને ઑગર ડ્રિલિંગ મશીન સાઇટ પર પહોંચાડવામાં આવ્યાં હતાં. આ ડ્રિલિંગ મશીન માટે પ્લૅટફૉર્મ તૈયાર કરીને ડ્રિલિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. એ દરમ્યાન પાઇપથી વર્કર્સની સાથે વાતચીતનો વિડિયો આવ્યો હતો. અધિકારીઓ અને વર્કર્સના ફૅમિલી મેમ્બર્સે અંદર ફસાયેલા વર્કર્સની સાથે પાઇપ દ્વારા વાતચીત કરી હતી.

૧૫ નવેમ્બર

ટનલની અંદર ફસાયેલા વર્કર્સની તબિયત ખરાબ થઈ હોવાના ન્યુઝ આવ્યા હતા, જેનાથી નારાજ ફૅમિલી મેમ્બર્સ અને અન્ય વર્કર્સે રોષ વ્યક્ત કર્યો હતો અને ઘટનાસ્થળની બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.

૧૬ નવેમ્બર

વર્કર્સને બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર અને આર્મીની ટીમ્સ પણ સિલ્ક્યારા પહોંચી હતી. હેવી મશીન્સને ઘટનાસ્થળે પહોંચાડવા માટે આર્મીની મદદ લેવામાં આવી હતી. કહેવામાં આવ્યું કે રેસ્ક્યુ ઑપરેશનમાં હવે નૉર્વે અને થાઇલૅન્ડની સ્પેશ્યલ ટીમ્સની પણ મદદ મેળવવામાં આવી રહી છે. કેન્દ્રીય રાજ્ય પ્રધાન વીકે સિંહે ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા લીધી હતી. નવા ઍડ્વાન્સ ઑગર મશીનથી ડ્રિલિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાઇપ્સથી એસ્કેપ ટનલ તૈયાર કરીને વર્કર્સને બહાર લાવવામાં આવશે એમ જણાવાયું.

૧૭ નવેમ્બર

ફરીથી રેસ્ક્યુ ઑપરેશનમાં અમેરિકન ઑગર મશીનથી ડ્રિલિંગ કરતી વખતે પાઇપ ફસાઈ હોવાના ન્યુઝ આવ્યા હતા. એ દરમ્યાન બૅકઅપ પ્લાન પર પણ કામ શરૂ કરવામાં આવ્યું હતું. ઇન્દોરથી નવા ડ્રિલિંગ મશીનની રાહ જોવામાં આવી. ચેન્નઈથી કેટલાક પાર્ટ્સ ઘટનાસ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોની માગણીને ધ્યાનમાં રાખીને ટનલની બહાર એક મંદિર સ્થાપિત કરવામાં આવ્યું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અહીં બોખનાગના મંદિરનું નિર્માણ કરવાથી રેસ્ક્યુમાં સફળતા મળશે.

૧૮ નવેમ્બર

પીએમઓ અને ફૉરેનના એક્સપર્ટ્સે સિલ્ક્યારામાં મોરચો સંભાળ્યો હતો. પીએમઓમાં નાયબ સચિવ મંગેશ ઘિલ્ડિયાલ, ભૂતપૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બે તેમ જ સાયન્ટિસ્ટ વરુણ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પીએમઓની ટીમની સાથે એન્જિનિયરિંગ એક્સપર્ટ અરમાંડો કેપ્લન અને માઇક્રો ટનલિંગ એક્સપર્ટ ક્રિસ કૂપર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જેના પછી છ રીતે કામ કરવા માટે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.

૧૯ નવેમ્બર

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી ઉત્તરકાશીમાં રેસ્ક્યુ ઑપરેશનની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. ગડકરીએ વર્કર્સના ફૅમિલી મેમ્બર્સ અને એક્સપર્ટ્સની સાથે વાતચીત કરી હતી.

૨૦ નવેમ્બર

ટનલની અંદર છ ઇંચનો વધુ એક પાઇપ નાખવામાં આવ્યો, જેની મદદથી વર્કર્સને ભોજન, પાણી અને ઑક્સિજન પહોંચાડવાની તૈયારીઓ કરવામાં આવી. રાતે વર્કર્સને ખીચડી મોકલવામાં આવી.

૨૧ નવેમ્બર

એન્ડોસ્કોપી ફ્લેક્સી કૅમેરો મોકલવામાં આવ્યો હતો, જેના પછી ટનલની અંદરની ઇમેજીઝ બહાર આવી. તમામ વર્કર્સ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવવામાં આવ્યું. એની સાથે જ ભોજન પણ મોકલવામાં આવ્યું.

૨૨ નવેમ્બર

સિલ્ક્યારા ટનલની અંદરથી વર્કર્સને રેસ્ક્યુ કરવા માટેના પ્રયાસો અંતિમ તબક્કામાં હતા. જોકે સાંજે ઑગર મશીનથી ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે મેટલ જેવી સખત વસ્તુ આવી ગઈ હતી. આ સખત વસ્તુને ઇક્વિપમેન્ટથી કટ કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા. 

4.531
સિલ્ક્યારા ટનલની આટલા કિલોમીટરની લંબાઈ

1383.78
ટનલના બાંધકામ માટે કુલ આટલા કરોડ રૂપિયાનો ખર્ચ

uttarakhand diwali national news