એનડીઆરએફની મહેનત રંગ લાવી

23 November, 2023 09:00 AM IST  |  Uttarkashi | Gujarati Mid-day Correspondent

ઉત્તરાખંડ ટનલમાં યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી : ટેમ્પરરી હૉસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી

ઉત્તરકાશી જિલ્લામાં ગઈ કાલે રેસ્ક્યુ ઑપરેશન દરમ્યાન સિલ્ક્યારા ટનલમાં પ્રવેશવા સજ્જ એનડીઆરએફના જવાનો

ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા ૪૧ વર્કર્સને રેસ્ક્યુ કરવા માટેનું ઑપરેશન ગઈ કાલે સાંજે અંતિમ તબક્કામાં હતું. રાત્રે આઠ વાગ્યા સુધીમાં ટનલની આસપાસ મૂવમેન્ટ્સ ખૂબ જ વધી ગઈ હતી. ૪૧ બેડ ધરાવતી ટેમ્પરરી હૉસ્પિટલમાં તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી હતી. ઍમ્બ્યુલન્સ પણ રેડી પોઝિશનમાં હતી. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી પણ ગઈ કાલે સાંજે ઉત્તરકાશીમાં પહોંચ્યા હતા.

ગઈ કાલે રાત્રે જ ટનલમાં ડ્રિલિંગની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ હતી. ડ્રિલિંગ મશીનમાં લગભગ ૫૦ મીટર સુધી ડ્રિલિંગ કરવામાં આવી ચૂક્યું હતું.

વર્કર્સને બહાર કાઢવામાં આવ્યા બાદ તરત જ તેમને ચિલ્યાનીસૌડની જિલ્લા હૉસ્પિટલમાં લઈ જવામાં આવશે. એની તૈયારી કરવામાં આવી ચૂકી છે. ચિલ્યાનીસૌડ પહોંચવામાં લગભગ એક કલાકનો સમય લાગશે. ત્યાં જવા માટે ગ્રીન કૉરિડોર બનાવવામાં આવ્યો છે. ટનલમાં ફસાયેલા ૪૧ વર્કર્સને એનડીઆરએફના જવાનો જ બહાર લઈ જશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ટનલની બહાર પ્રાથમિક સરવાર માટેની તૈયારીઓ પણ વધારવામાં આવી છે.

દુર્ઘટનાના આ સ્થળથી લગભગ ચાર કિલોમીટર દૂર હૅલિપેડ બનાવવામાં આવ્યું છે, જ્યાંથી જરૂર પડશે તો વર્કર્સને ઍરલિફ્ટ કરવામાં આવશે. ઉત્તરકાશી જિલ્લા હૉસ્પિટલમાં પણ ૪૫ બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. જરૂર પડશે તો વર્કર્સને ઍરલિફ્ટ કરીને હૃષીકેશ એઇમ્સમાં પણ લઈ જવામાં આવશે.

ડ્રિલિંગ કમ્પ્લિટ થવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (એનડીઆરએફ)ના ૧૫ મેમ્બરની ટીમે હેલ્મેટ, ઑક્સિજન સિલિન્ડર અને ગૅસકટરની સાથે મોરચો સંભાળ્યો. એનડીઆરએફની ટીમે ૮૦૦ મિલીમીટરની પાઇપલાઇનની અંદર જઈને વર્કર્સને એક પછી એક બહાર કાઢવા પૂરતી તૈયારીઓ કરી હતી. 

uttarakhand national news