03 October, 2024 08:41 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશમાં ગયા સોમવારે કોર્ટે લવ જેહાદના કેસમાં દોષી બરેલીના રહેવાસી મોહમ્મદ આલિમ અહમદને બળાત્કાર, છેતરપિંડી, બળજબરીથી ધર્માંતરણ સહિતના ગુના માટે આજીવન કારાવાસની સજા ફટકારી હતી. તેને એક લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો. તેના ૬૫ વર્ષના પિતાને પણ તેના આ કૃત્યમાં સાથ આપવા બદલ બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
પચીસ વર્ષનો મોહમ્મદ આલિમ વીસ વર્ષની હિન્દુ યુવતીને ૨૦૨૨માં એક કોચિંગ ક્લાસમાં મળ્યો હતો. યુવતીને ફસાવવા માટે તેણે આનંદ કુમાર એવું હિન્દુ નામ ધારણ કર્યું હતું અને પ્રેમમાં પાડી વિવિધ હોટેલોમાં લઈ જઈ તેના પર વારંવાર બળાત્કાર કર્યો હતો. ૨૦૨૨ની ૧૩ માર્ચે હિન્દુ મંદિરમાં જઈને તેની સાથે લગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ તેણે યુવતીને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે બળજબરી કરી હતી તેમ જ યુવતી ગર્ભવતી થતાં તેને ગર્ભપાત કરાવવાની ફરજ પાડી હતી. આ સંદર્ભમાં યુવતીએ ૨૦૨૩ના મે મહિનામાં પોલીસમાં ફરિયાદ કરી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
આ યુવતી કોર્ટકેસમાં હાજર નહીં રહેતાં કોર્ટે સમન્સ પાઠવીને તેને કોર્ટમાં હાજર રહેવા કહ્યું હતું. તેણે કોર્ટમાં કહ્યું કે જમણેરી સંગઠનોએ મારા અને મારાં માતા-પિતા પર દબાણ લાવતાં મેં ફરિયાદ કરી હતી. જોકે અદાલતે આ નિવેદનનો સ્વીકાર કર્યો નહોતો અને જણાવ્યું હતું કે આરોપીના દબાવમાં આવીને તેણે આમ કર્યું હશે. આ યુવતી માતા-પિતાથી અલગ રહે છે. તેની પાસે નોકરી નથી છતાં ભાડાના ઘરમાં રહે છે અને મોંઘા ફોન વાપરે છે એટલે આમાં વિદેશી ફન્ડિંગની પણ આશંકા છે.
જજે કહ્યું, ભારતમાં પાકિસ્તાન અને બંગલાદેશ જેવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે
આ કેસમાં ચુકાદો આપતાં ફાસ્ટ-ટ્રૅક કોર્ટના ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રવિ કુમાર દિવાકરે ૪૨ પાનાંના ચુકાદામાં કહ્યું હતું કે ‘લવ જેહાદના વધતા કેસ દેશની એકતા અને અખંડતા માટે ખતરો છે. ગેરકાયદે ધર્માંતરણ દ્વારા હિન્દુ છોકરીઓને ફસાવવામાં આવે છે અને ભારતમાં પાકિસ્તાન અને બંગલાદેશ જેવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે. ગેરકાયદે ધર્માંતરણ દેશ માટે ખતરાસમાન છે.’