21 July, 2024 07:44 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
અખિલેશ યાદવ, કેશવ પ્રસાદ મૌર્ય
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારને તોડી પાડવાના સંબંધમાં સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવે કરેલી મૉન્સૂન ઑફર ‘૧૦૦ લાઓ, સરકાર બનાઓ’ને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ ‘મુંગેરીલાલ કે હસીન સપને’ ગણાવીને ફગાવી દીધી છે અને કહ્યું છે કે તેમનું આ સપનું પૂરું થવાનું નથી.
એક પોસ્ટમાં મૌર્યએ લખ્યું હતું કે ‘મૉન્સૂન ઑફરને ૨૦૨૭માં જનતા અને BJPના કાર્યકરો ફરી ૪૭ પર રોકી દેશે. આ એક ડૂબતું જહાજ છે અને સમાપ્ત થનારું દળ છે જેનું વર્તમાન અને ભવિષ્ય ખતરામાં છે. તેઓ મુંગેરીલાલ કે હસીન સપનેં જોઈ શકે છે, પણ એ પૂરાં થવાનાં નથી. ૨૦૨૭માં અમે ૨૦૧૭ને દોહરાવીશું અને ફરી એક વાર કમળની સરકાર બનાવીશું.’ ૨૦૧૭માં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં BJPને ૪૦૩ બેઠકમાંથી ૩૧૨ બેઠક મળી હતી, એ વખતે સત્તામાં રહેલા અખિલેશ યાદવની પાર્ટી ૪૭ બેઠક માંડ જીતી શકી હતી.