18 October, 2024 07:35 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે એન્કાઉન્ટરમાં ઘવાયેલા આરોપીને પોલીસ-સ્ટેશનમાં લાવતી પોલીસ
ઉત્તર પ્રદેશના બહરાઇચમાં રવિવારે દુર્ગાપ્રતિમા-વિસર્જન સમયે મહારાજગંજ મોહલ્લામાંથી પસાર થતી વખતે સંગીત વગાડવાના મુદ્દે મુસ્લિમ લોકો સાથે થયેલી બોલાચાલી બાદ સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને બાવીસ વર્ષના રામ ગોપાલ મિશ્રા નામના એક યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશમાં આ ઘટના બાદ હિંસા ફાટી નીકળી હતી અને સ્થાનિકોએ આરોપીઓ સામે કડક હાથે કામ લેવાની માગણી કરી હતી. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ આ કેસની તપાસ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે ત્યારે પોલીસે આ કેસમાં નેપાલ ભાગી રહેલા બે આરોપીનું એન્કાઉન્ટર કર્યું હતું. જોકે બન્નેને પગમાં ગોળી વાગી હોવાથી તેઓ બચી ગયા છે. આરોપી મોહમ્મદ સરફરાઝ ઉર્ફે રિન્કુ અને મોહમ્મદ તાલીમ ઉર્ફે સબલુને ગોળી વાગી હોવાથી નેપાલ બૉર્ડર પાસેની સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
આ કેસમાં પોલીસે બીજા ત્રણ આરોપી મોહમ્મદ ફહીન, અબ્દુલ હમીદ અને મોહમ્મદ અફઝલની પણ ધરપકડ કરી છે. આ બન્ને આરોપીને પોલીસ રામ ગોપાલ મિશ્રાની હત્યામાં વાપરવામાં આવેલા હથિયાર જ્યાં છુપાડવામાં આવ્યા હતા એ જગ્યાએ લઈ ગઈ હતી. જોકે તેમણે આ હથિયારથી પોલીસ પર હુમલો કર્યો હોવાથી પોલીસે કરેલા ફાયરિંગમાં તેઓ ઘાયલ થયા હતા. આ પાંચે જણે એકબીજા સાથે મળીને રામ ગોપાલ મિશ્રાની હત્યાનું કાવતરું ઘડીને તેના પર ગોળી ચલાવી હતી.