10 January, 2025 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈના આઇકોનિક તાજ હોટલમાં એરિક ગાર્સેટીએ મીડિયાનું સંબોધન કર્યું હતું - તસવીર સૌજન્ય સોશ્યલ મીડિયા
ભારતમાં અમેરિકાના એમ્બેસેડર એરિક ગાર્સેટીનો કાર્યકાળ પુરા થવાના ટાણે તેમણે ભારતમાં ગાળેલા સમયને વિશેષ અને નોંધપાત્ર ગણાવ્યો અને કહ્યું કે, "આ મારી જિંદગીનું સૌથી અસાધારણ અને અદ્ભુત કામ રહ્યું છે." ગુરુવારે મીડિયાને સંબોધતા તેમણે ભારત અને યુ.એસ.ના સંબંધોના ગાઢ થઈ રહેલા સંબંધો અંગે વાત કરી હતી અને કહ્યું કે, "પ્રેસિડન્ટ બાઇડને ભારતને આખા વિશ્વના સૌથી અગત્યના દેશ તરીકે પારખ્યો છે. આવું પહેલા અન્ય કોઈ અમેરિકન પ્રમુખે નથી કહ્યું. બંન્ને દેશો વચ્ચે રોકાણ, સુરક્ષા લક્ષી જોડાણ, વ્યાપાર તમામ પાસે અમાપ શક્યતાઓ છે." તેમણે બેંગાલુરુમાં શરૂ થનારી યુ.એસ. કોન્સ્યુલેટની વાત કરીને ઉમેર્યું કે તે યુએસ-ઇન્ડિયાના સંબંધોને વધુ મજબૂત બનાવશે. ભારતે તેમનું દિલ જીતી લીધું છે એમ કહેતાં એરિક ગાર્સેટીએ ભારતના વિકાસ સાથે જોડાયેલી તકો અંગે ઉજ્જવળ ભવિષ્યની આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે યુ.એસ ઇન્ડિયા સિક્યોરિટી પાર્ટનરશીપ એ વિશ્વમાં સૌથી અગત્યની છે કારણકે તે ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં અને તેનાથી આગળના હિસ્સાઓમાં પણ શાંતિ અને સમૃદ્ધિ સ્થાપવામાં મહત્વનો ફાળો આપશે.
તેમને જ્યારે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે યુ.એસ.માં ચાલી રહેલી કાર્યવાહી અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, "મારે એ અંગે કંઇ કહેવું નથી. અમારા દેશની સ્વતંત્ર ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે. તે અન્ય દેશો કરતાં ઘણી જુદી પડે છે. ભારતના ઉદ્યોગપતિઓ સાથે અમારી ભાગીદારી ઘણી ફળદ્રુપ રહી છે. અમે ભારતીય કંપનીઓની ક્ષમતા જાણીએ છીએ અને તેઓ દેશની બહાર પણ ઘણું કરી શકે તેમ છે. અમે અમારા લક્ષ્ય પર જ નજર રાખવા માગીએ છીએ કારણકે તે જ સૌથી અગત્યનું છે. કોનામાં શું ક્ષમતા છે તેના આધારે તેની સાથે ભાગીદારી કરીએ અને પરસ્પર રાષ્ટ્રના વિકાસની દિશામાં લોકતાંત્રિક દ્રષ્ટિકોણથી કામ થાય."
એરિક ગાર્સેટીએ કહ્યું કે શાંતિ જાળવવાનો સૌથી મોટો રસ્તો યુદ્ધને રોકવાનો છે. સૌથી મોટો પડકાર એ લોકો હોય છે પોતાની ક્ષમતાને આધારે નિયમોને વ્યાખ્યાયિત કરે છે, પછી ભલે તે દક્ષિણ ચીન સમુદ્ર હોય, હિંદ મહાસાગર હોય કે લાલ સમુદ્ર હોય. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા અને ભારત બંને સમજે છે કે સરહદોનું સન્માન કરવું જોઈએ અને શાંતિ જાળવવાનો એકમાત્ર રસ્તો નિયમોનું યોગ્ય પાલન છે. કેનેડાની સ્થિતિ પર પ્રશ્ન કરતાં તેમણે કહ્યું કે, "આ નેતાઓ માટે પડકારજનક સમય છે. લોકોને હવે રાતોરાત ઉકેલ જોઈએ છે. તેઓ જટિલ સમસ્યાઓનો ઝડપથી ઉકેલ ઇચ્છે છે. આપણે સમજવું જોઈએ કે શાંતિ સ્થાપવા માટે સખત અને સતત કામની જરૂર છે. મને લાગે છે કે વિશ્વભરના લોકો જૂના માળખાઓ પર પુનર્વિચાર કરવાની જરૂરિયાત અનુભવી રહ્યા છે. નેતાઓએ આધુનિક સમયની ભાવના સમજીને કામ કરવું જોઈએ."
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ રેટ્સ અંગેના અભિગમ અંગે સવાલ કરતાં તેમણે કહ્યું કે, "યુએસ બધા પ્રકારનો ટેકો આપવા માગે છે અને ભારત અમારો પહેલા નંબરનો ટ્રેડિંગ પાર્ટનર દેશ છે તેનો અમને ગર્વ છે. અહીં ટ્રેડ ડેફિસિટ પણ છે છતાં અહીં ઘણી અમેરિકન કંપનીઓ છે જેમક આઇટી, ફાઇનાન્સ વગેરે, અમારા ટેરિફ્સ વધુ છે પણ એવું ભારતના પણ અમુક ચીજોના ટેરિફ અંગે અમેરિકા માટે છે. અમે પણ ઇચ્છીએ છીએ કે આ ભાગીદારીમાં ભારતમાં સેમી કન્ડક્ટર્સ, કાર્સ, ઇલેક્ટ્રોનિક્સ બધું બને - અમે આઇફોન વગેરે તો અહીં બનાવવા જ માંડ્યા છીએ પણ હજી ઘણી બધી શક્યતાઓ છે જે બંન્ને દેશો માટે પ્રોમિસિંગ છે. વ્યાપાર યુદ્ધ નથી છેડવાનું પણ વાટાઘાટો કરીને એક ન્યાયી વાજબી વ્યાપારની દિશામાં કામ કરવાનું છે."
ક્રિકેટના શોખીન ગાર્સેટીને ઑલિમ્પિકમાં ક્રિકેટની એન્ટ્રી કરાવ્યાનો શ્રેય જાય છે. આ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, "મારા એક ભારતીય મિત્રએ મને મજાકમાં કહ્યું કે તમારા ટેન્યોરમાં રેકોર્ડ ટ્રેડ, વિઝા, મિલિટરી એક્સર્સાઇઝ થયાં પણ અમને તો એમાં જ રસ છે કે તમારે લીધે ક્રિકેટ ઑલિમ્પિક્સમાં પહોંચ્યું. મારે માટે આ અગત્યનું છે કારણકે હું એમ્બેસેડર હતો તે પહેલાંથી આ દિશામાં કામ કરતો હતો. ક્રિકેટ વિશ્વમાં સૌથી વધુ ખેલાતી રમત હોવા છતાં ઑલિમ્પિક્સમાં તેને સ્થાન નહોતું. હું જ્યારે લોસ એન્જેલિસ માટે ઑલિમ્પિક જીત્યો ત્યારે ઑલિમ્પિક્સના ચેરમેન કેસી વૉસમેન સાથે બેસવાનું થયું ત્યારે પાંચ ખેલ પસંદ કરવાના હતા જે ઑલિમ્પિકનો હિસ્સો ન હોય. બીજા ચાર કયા હતા એ યાદ નથી પણ તેમાં ક્રિકેટ ચોક્કસ હતું અને તે પહેલી પસંદ હતી એ મને બરાબર યાદ છે. મેં સપને પણ નહોતું વિચાર્યું કે અહીં અંબાણી સેન્ટરમાં ઓલિમ્પિક કમિટીની મિટીંગ થશે અને ત્યારે મને ભારતના યુ.એસ. એમ્બેસેડર તરીકે એ જાહેરાત કરવાનો મોકો મળશે કે ક્રિકેટ હવે ઑલિમ્પિકનો હિસ્સો છે. કોઈ બૉલીવૂડ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી આખી ઘટના છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. મુંબઈનો ફાઇનેસ્ટ શાહ રૂખ ખાન લોસ એન્જલસની ટીમનો કો-ઓનર બન્યો છે તેનાથી રૂડું શું હોઈ શકે."