06 November, 2024 10:41 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ
ઉત્તર પ્રદેશમાં ચાલતી મદરેસાઓને સુપ્રીમ કોર્ટે બંધારણીય માન્યતા આપી છે અને હાઈ કોર્ટના ચુકાદાને પલટી નાખ્યો છે. આના કારણે આશરે ૧૭ લાખ સ્ટુડન્ટ્સને રાહત મળી છે. હાઈ કોર્ટે મદરેસા વિશેના કાયદાને ગેરબંધારણીય ગણાવ્યો હતો.
ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.
અંજુમ કાદરીની મુખ્ય પિટિશન અને બીજી આઠ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ૨૨ ઑક્ટોબરે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. હાઈ કોર્ટે ૨૨ માર્ચે આપેલા ચુકાદામાં ‘ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડ અધિનિયમ-૨૦૦૪’ને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરતો ગણાવીને એને ગેરબંધારણીય જણાવ્યો હતો.
હાઈ કોર્ટના ચુકાદા બાદ ઉત્તર પ્રદેશ સરકારે અલગ-અલગ મદરેસાઓમાં ભણતા સ્ટુડન્ટ્સને ઔપચારિક સ્કૂલ શિક્ષણપદ્ધતિમાં સામેલ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં આ મૅટર પહોંચતાં એણે પાંચમી એપ્રિલે વચગાળાનો સ્ટે આપ્યો હતો.
ઉત્તર પ્રદેશમાં ૨૫,૦૦૦ મદરેસા
ઉત્તર પ્રદેશમાં આશરે ૨૫,૦૦૦ મદરેસામાં શિક્ષણ આપવામાં આવે છે જેમાંથી ૧૬,૫૦૦ને રાજ્ય મદરેસા શિક્ષણ પરિષદની માન્યતા મળી છે અને ૫૬૦ મદરેસાઓને સરકારી ગ્રાન્ટ મળે છે. આશરે ૮૫૦૦ મદરેસા માન્યતા વગર કાર્યરત છે.
શું છે આ કાયદો?
ઉત્તર પ્રદેશ સરકારે મદરેસામાં આપવામાં આવતા શિક્ષણને વ્યવસ્થિત કરવા માટે ૨૦૦૪માં ‘ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડ અધિનિયમ-૨૦૦૪’ બનાવ્યો હતો. મદરેસામાં શિક્ષણનું માધ્યમ અરબી, ઉર્દૂ, ફારસી, ઇસ્લામી, તિબ્બ (પારંપરિક ચિકિત્સા), દર્શન અને અન્ય વિષયોના રૂપમાં પારિભાષિત કરવામાં આવ્યું હતું. આ કાયદા દ્વારા મદરેસામાં પાઠ્યક્રમને વ્યવસ્થિત રૂપ આપવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું. ધાર્મિક અને સાંસ્કૃતિક સાથે આધુનિક શિક્ષણ પણ આપવામાં આવશે એમ પણ કહેવાયું હતું. જોકે અંશુમાન સિંહ રાઠોડ નામની વ્યક્તિએ કાયદાના વિરોધમાં અલાહાબાદ કોર્ટમાં પિટિશન દાખલ કરીને એની બંધારણીય માન્યતાને પડકાર આપ્યો હતો. ૨૨ માર્ચે હાઈ કોર્ટે આ કાયદાને ગેરબંધારણીય ગણાવ્યો હતો.