30 December, 2024 12:26 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ૧૪ વર્ષની સગીર દીકરી પર બળાત્કારના કેસમાં તેના પિતા, દાદા અને કાકાની ધરપકડ કરવામાં આવી છે. વારંવારના બળાત્કારના પગલે આ સગીર ગર્ભવતી બની છે અને તેના પેટમાં બે મહિનાનો ગર્ભ છે. ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (પૉક્સો) કાયદા હેઠળ આ ત્રણેય આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
આ સગીરે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે દસથી બાર વર્ષ પહેલાં તેના પિતા અને માતા વચ્ચે ઝઘડા થતાં તે દિલ્હીમાં રહેતી હતી, મારી મા મને સાથે લઈને ગઈ હતી. મારી માતા સાથે પણ આ ત્રણેય દ્વારા જાતીય અત્યાચાર કરવામાં આવતો હતો. ચાર વર્ષ પહેલાં તેઓ મને દિલ્હીથી ઔરેયાના ઘરે લાવ્યા હતા. ગયા વર્ષે મારી માતાનું અવસાન થયું હતું અને એ પછી મારા પર જાતીય અત્યાચાર શરૂ થયો હતો. દાદા મને ખેતરમાં લઈ જઈને મારું શોષણ કરતા હતા. કાકા તેમના રૂમમાં મને લઈ જતા અને મારા પિતા મને ઘરમાં બાંધીને અત્યાચાર કરતા હતા. મેં આનો વિરોધ કર્યો ત્યારે તેમણે મને મારી નાખવાની ધમકી આપી હતી. મારી કાકીને આ વાત કરી, પણ તેમણે મને મદદ નહોતી કરી. ૨૨ ડિસેમ્બરે ત્રણેય જણે મને મારવાની પણ કોશિશ કરી હતી, પરંતુ હું બચીને મારી આન્ટીના ઘરે જતી રહી હતી અને પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.