02 June, 2022 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે અયોધ્યામાં રામમંદિરના ગર્ભગૃહના શિલાન્યાસ દરમ્યાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ.
અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ગઈ કાલનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો હતો. અહીં ઉત્સવ જેવો માહોલ હતો. મંદિર નિર્માણનો બીજા તબક્કામાં પ્રવેશ થઈ ચૂક્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રામમંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમ્યાન આદિત્યનાથે કહ્યું હતું કે ૫૦૦ વર્ષોથી જેની પ્રતીક્ષા હતી એ હવે સાકાર થઈ ગઈ છે. ૫૦૦ વર્ષ પછી ‘ગર્ભગૃહ’માં રામલલા પાછા ફરશે.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રામજન્મભૂમિના પરિસરમાં પ્રવેશ કર્યો અને સૌથી પહેલાં રામલલાની આરતી ઉતારી હતી, જેના પછી તેઓ ગર્ભગૃહ સ્થળે વૈદિક આચાર્યો દ્વારા કરવામાં આવેલા અનુષ્ઠાનમાં સામેલ થયા હતા. તેમણે શ્રીરામલલાના ભવ્ય મંદિરના નિર્માણ માટે પહેલી કોતરણીવાળી શિલાને વિધિવત્ રીતે વૈદિક મંત્રોચ્ચાર બાદ સ્થાપિત કરી હતી. આ પહેલાં ૨૦૨૦ની પાંચ ઑગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીએ મંદિરનિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું.
મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સંતો અને મહંતોએ જણાવ્યું હતું કે આ દિવસ જોવા માટે અનેક પેઢીઓએ બલિદાન આપ્યું છે.
યોગીએ કહ્યું હતું કે ‘આક્રમણખોરોએ ભારતનાં સપનાં તોડવાની માનસિકતાની સાથે બદઇરાદાથી ભારતની આસ્થા પર હુમલો કર્યો હતો. આખરે ભારતની જીત થઈ છે. હવે મંદિરના નિર્માણની કામગીરી ઝડપથી થશે. રામજન્મભૂમિ મંદિર ભારતનું રાષ્ટ્ર મંદિર બનશે. ભારતની આસ્થાને સન્માનિત કરવાની સાથે જ ભારતની એકતાનું પ્રતીક રહેશે.’
૧૯૪૯નો એ દિવસ યાદ આવી ગયો
રામલલાના ગર્ભગૃહની ૫૦૦ વર્ષના સંઘર્ષની કહાણી છે. સદીઓથી રામભક્તો અયોધ્યામાં જે સ્થાનને રામજન્મભૂમિ સ્થળ તરીકે પૂજે છે એ જ જગ્યાએ ૧૫૨૮માં એક આક્રમણખોરે મસ્જિદ બનાવી હતી, જે બાબરી મસ્જિદના નામથી જાણીતી હતી. ૧૮૫૩માં હિન્દુઓ સંગઠિત થયા અને તેમણે અવાજ ઉઠાવ્યો કે શ્રીરામના મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે. અહીં પહેલી વખત સંઘર્ષ થયો હતો. ૧૯૪૭માં દેશને અંગ્રેજોથી આઝાદી મળી, પરંતુ રામલલા હજી પણ ‘કેદ’માં રહ્યા. એ પછી ૧૯૪૯ની ૨૩ ડિસેમ્બરે વિવાદાસ્પદ માળખાના કેન્દ્રમાં ભગવાન શ્રીરામની મૂર્તિનું પ્રાક્ટય થયું, જેના પછી એ સ્થળે હિન્દુઓ પૂજાપાઠ કરવા લાગ્યા. મુસલમાનોએ નમાજ પઢવાનું બંધ કર્યું હતું. ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદે વિવાદાસ્પદ સ્થળનું તાળું ખોલીને મંદિરના નિર્માણ માટે અભિયાન ચલાવ્યું હતું. ૨૦૧૯ની ૯ નવેમ્બરે રામલલાએ પોતાના ‘ઘર’ની કાનૂની લડાઈ જીતી હતી.