17 April, 2023 11:29 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
વારાણસીના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે ત્યારે ગઈ કાલે ફ્લૅગમાર્ચ કરી રહેલા પોલીસના જવાનો.
ગૅન્ગસ્ટર અતિક અહમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજમાં હત્યાના એક દિવસ બાદ ગઈ કાલે સમગ્ર ઉત્તર પ્રદેશમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ધાર્મિક રીતે મહત્ત્વનાં તમામ સ્થળોએ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અયોધ્યા, વારાણસી અને મથુરા જેવાં શહેરોમાં વધારે સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. અયોધ્યામાં તમામ મહત્ત્વનાં સ્થળોએ પોલીસ ફોર્સને તહેનાત કરવામાં આવી છે. શ્રીરામ મંદિરના સ્થળે સીઆરપીએફ અને લોકલ પોલીસને સમાવતી ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અતિક-અશરફની હત્યાની ત્રણ સભ્યોના ન્યાયિક પંચ દ્વારા તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે. યોગી આદિત્યનાથ સરકારે આ ઘટનાનો એક રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપ્યો છે.