એક ઐતિહાસિક ‘લવ જેહાદ’ જેનો અંત વિચ્છેદમાં આવ્યો

21 June, 2023 12:29 PM IST  |  New Delhi | Dr. Vishnu Pandya

૧૮૯૬થી મુંબઈમાં વકીલાત શરૂ કરી ત્યારે ચર્ની રોડ પર અપોલો રેલવે હોટેલમાં એક ઓરડો ભાડે લીધો અને વકીલાત જામી

મોહમ્મદઅલી ઝીણા

આજકાલ દેશમાં લવ જેહાદની ભારે ઉગ્ર ચર્ચા છે ત્યારે એક ઐતિહાસિક શાદી, અને એ પણ દેશ-વિદેશમાં જાણીતા ધારાશાસ્ત્રી, પાકિસ્તાનના સર્જક બૅરિસ્ટર મોહમ્મદઅલી ઝીણા અને મુંબઈના ખ્યાતનામ પારસી પરિવારની એકમાત્ર પુત્રી રતી જે રીતે એકબીજાના પ્રેમમાં બંધાયાં અને વાત વિચ્છેદ સુધી પહોંચી એ કરુણ કથા એક રીતે ઐતિહાસિક લવ જેહાદ જેવી જ છે. ૪૮ વર્ષના ઝીણા (આમ તો જિન્ના, જિન્નાહ પણ કહેવામાં આવે છે, પણ સૌરાષ્ટ્રના પાનેલી ગામનો આ ખોજા પરિવાર તેના મોભી ઝીણાભાઈ પુંજાભાઈ ઝીણા નામે જ જાણીતા હતા, એ ઓળખ જ તેમની અટક બની ગઈ. સત્તરમી સદીનાં અંતિમ વર્ષોમાં મોહમ્મદઅલીના પૂર્વજો ઈરાનથી સૌરાષ્ટ્ર (ત્યારનું કાઠિયાવાડ)ના પાનેલીમાં આવીને વસી ગયા. એ પહેલાં પંજાબના મુલતાન જિલ્લામાં વસવાટ હતો ત્યારે હિન્દુ લોહાણા જાતિના હતા. પ્રખ્યાત ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીનું મૂળ પણ કાઠિયાવાડના લોહાણાનું. પાનેલીમાં મિઠ્ઠુબાઈ સાથે પરણ્યા પછી ઝીણાભાઈએ કરાચી જઈને ત્યાં વ્યવસાય શરૂ કર્યો. કરાચીની બે માળના વજીર મૅન્શનમાં મોહમ્મદનો જન્મ થયો ૧૮૭૫ની ૨૦ ઑક્ટોબરે, પણ પોતે ૨૫ ડિસેમ્બરનો જન્મદિવસ લખાવતા. ચાર નાની બહેન, બે નાના ભાઈની વચ્ચે ‘મામદ’નો ઉછેર થયો, મુંબઈમાં અભ્યાસ કર્યો ત્યારે ૧૬ વર્ષના મામદના નિકાહ પાનેલીમાં રહેતા ખોજા પરિવારની ૧૪ વર્ષની એમીબાઈ સાથે થયા. વ્યવસાયમાં જોતરવા પિતાએ મામદને લંડન મોકલ્યો. ત્યાં ડગ્લાસ ગ્રેહામ કંપનીમાં તાલીમ લીધી, પણ મામદે જોયું કે સૌથી પ્રતિષ્ઠિત તો વકીલાત છે એટલે કૉલેજમાં જોડાયો અને જોતજોતામાં મામદ મટીને એમ. એ. ઝીણા બની ગયો. ૧૮૯૬થી મુંબઈમાં વકીલાત શરૂ કરી ત્યારે ચર્ની રોડ પર અપોલો રેલવે હોટેલમાં એક ઓરડો ભાડે લીધો અને વકીલાત જામી. સાથે જ હોમરુલ ચળવળમાં જોડાયા ત્યારે રાષ્ટ્રવાદી ઝીણાની ખ્યાતિ વધી ગઈ. વૈભવી જિંદગી અને ઠાઠમાઠ સાથેનો વ્યવહાર તેની ખાસિયત હતાં.
પશ્ચિમી પોશાક, કુરાન સાથે દૂર સુધી કોઈ લેવાદેવા નહીં, તમામ શ્રીમંત પરિવારોની સાથે સંબંધ, બ્રિટિશ રાજનેતાઓ સાથે ગાઢ સંપર્ક. હવે પાનેલી અને કરાચી પાછળ છૂટી ગયાં હતાં. એવામાં મુંબઈના પેડર રોડ પરના આલીશાન ‘માઉન્ટ પેટિટ’ બંગલામાં રહેતા શ્રીમંત પેટિટ પરિવારની સાથે પરિચય થયો. દિનશા પેટિટના નિવાસસ્થાને દેશ-વિદેશના મહાનુભાવો આવતા. દાદાભાઈ નવરોજી તેમના મિત્ર હતા. અહીં દિનશાની એકમાત્ર પુત્રી રતીને ઝીણાએ જોઈ. ખુશહાલ રતી શેક્સપિયર અને ઑસ્કર વાઇલ્ડના સાહિત્યની પ્રેમી હતી. મોહમ્મદઅલી લંડનમાં હતા ત્યારથી શેક્સપિયરના આશિક હતા. તેનું એક સપનું હતું કે નાટકમાં રોમિયોનું પાત્ર ભજવવું. એ તો ન બન્યું, પણ મુંબઈની ધરતી પર તેને લૈલા મળવાનો માહોલ હતો. મુશ્કેલી એ હતી કે રતી હજી તો માંડ ૧૬ વર્ષની હતી. વળી પારસી પરિવાર. જ્યારે દિનશા પાસે મોહમ્મદઅલીએ રતી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે દિનશા એક્દમ ગુસ્સે ભરાઈ ગયા. ૧૬ વર્ષની રતી અને ૪૦ વર્ષના ઝીણા. આ શક્ય કેમ બને? ઘરમાં ભારે ઊહાપોહ મચી ગયો. રતી ઝીણાને ન મળે એવો આદેશ અપાઈ ગયો. બે વર્ષ આ કશમકશ રહી. જેવી રતી અઢાર વર્ષની થઈ અને તેનો જન્મદિવસ ધામધૂમથી ઊજવવાની તૈયારી થઈ રહી હતી ત્યારે જ તે ઝીણા પાસે ચાલી ગઈ. દિનશાનો આઘાત અસહનીય હતો. તેણે અખબારોમાં મૃત્યુનોંધ છપાવી કે અમારી પુત્રી રતીનું અવસાન થઈ ગયું છે, તેનું ‘ઉઠમણું’ રાખ્યું છે. ‘સ્ટેટ્સમૅન’ અખબારે છાપ્યું કે બૅરિસ્ટર ઝીણા અને રતનબાઈ પેટિટના નિકાહ થયા છે અને રતીએ પારસી મટીને મુસ્લિમ ધર્મનો સ્વીકાર કર્યો છે, તેનું નામ હવે મરિયમ રાખવામાં આવ્યું છે. ઝીણાએ સિવિલ કાનૂન નીચે લગ્ન રજિસ્ટર ન કરાવ્યાં, કેમ કે પછી મુસ્લિમ લીગના નેતા તરીકેની કારકિર્દી સમાપ્ત થઈ જાય. તેના ઇસ્માઇલી શિયા જમાતે પણ આ સંબંધને માન્ય ન કર્યો એટલે એમાંથી અલગ થઈને ખોજા જમાતના એક નાનકડા ભાગ જેવી ‘ઇશના જમાત’માં સામેલ થઈને શાદી કરી લીધી. કવયિત્રી સરોજિની નાયડુએ લખ્યું કે છેવટે ઝીણાએ પોતાની કામનાનું નીલ કુસુમ મેળવી લીધું.
પણ આ સાહસિક ઘટનાનો અંત કરુણ આવ્યો. તેજસ્વી રતીએ સાર્વજનિક જીવનમાં ઝીણાને સાથ આપ્યો. બ્રિટિશ સરકારના વાઇસરૉય લૉર્ડ રીડિંગની દરખાસ્ત હતી કે બૅરિસ્ટર ઝીણાને ‘સર’નો ઇલકાબ આપવો. પિતા દિનશા તો સર હતા જ, પતિ માટેની આ લાલચને ઠુકરાવીને રતીએ કહ્યું કે જો મારા પતિ આ ઇલકાબ સ્વીકારશે તો હું છૂટાછેડા લઈશ. ગાંધીજીએ રતીને એક પત્ર લખ્યો હતો કે બૅરિસ્ટર ઝીણાને ગુજરાતી ભાષા શીખવજે. ગાંધી સાઉથ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે મુંબઈમાં સન્માન-સમારોહ યોજયો હતો. એ સમયના ભારતના હોમરુલ નેતા તરીકે ઝીણા પ્રખ્યાત હતા, આ સભાના પ્રમુખ હતા. એ વખતે ગાંધીજીએ પોતાના ભાષણમાં જાહેરમાં ટકોર કરી કે બૅરિસ્ટર ઝીણા ગુજરાતીમાં બોલ્યા હોત તો સારું થાત. ઇતિહાસકારો માને છે કે ત્યારથી ઝીણાને ગાંધી પ્રત્યે ખાસ ભાવ રહ્યો નહોતો.
૧૯૧૯માં રતીએ લંડનમાં સગર્ભાવસ્થાના દિવસો વિતાવ્યા. ઝીણાએ તેની અત્યંત સારવાર કરી, તેની પથારી પાસે બેસીને પુસ્તકો વાંચે, મજાક સંભળાવે, નાટક જોવા લઈ જાય. ૧૪ ઑગસ્ટે એક નાટક જોઈને પાછા વળ્યાં ત્યારે રતીને પીડા શરૂ થઈ અને મધરાતે તેણે એક બાળકને જન્મ આપ્યો. નામ દીના. રતીની માતા પણ અલગાવ છોડીને આવતી થઈ. કાનજી દ્વારકાદાસ રતીના મિત્ર હતા, ઝીણાના પણ. તેમણે ૬૨ પાનાંની પુસ્તિકા લખી છે (ગુજરાતી વાચકોને એ જાણીને આનંદ થશે કે આ કાનજી દ્વારકાદાસ જામનગર નજીકના ખંભાળિયાના વતની હતા). લોકમાન્ય ટિળકને ૧,૨૫,૦૦૦ રૂપિયાના જામીન પર છોડાવ્યા હતા. પ્રખર દેશભક્ત હતા. તેમના ભાઈ જમનાદાસ ‘યંગ ઇન્ડિયા’ના તંત્રી હતા, પછી આ અખબાર ગાંધીજીને સોંપ્યું તો ‘હરિજન’ નામ અપાયું.
રતી પછી થિયોસૉફી તરફ વળી. આધ્યાત્મિક અને રહસ્યમય અનુષ્ઠાનનો અનુભવ લીધો. ઍની બેસન્ટ પાસે તેને થિયોસૉફીની દીક્ષા લેવી હતી. આત્મચિંતન તેનો અદ્ભુત ઉત્તરાર્ધ રહ્યો, પણ ઝીણાની સાથે એક એકાધિકારવાદી વ્યક્તિ હતી તેની બહેન ફાતિમા. પરણી નહોતી અને છેક સુધી ઝીણાનું બખ્તર બની. રતી તેને જરા પણ ગમતી નહોતી, દીકરી દીનાને પણ ફાતિમા સાથે બન્યું નહીં. ફાતિમાએ રાષ્ટ્રવાદી અને હિન્દુ-મુસ્લિમ એકતાના હામી ઝીણાને ખતરનાક સંકુચિત નેતા બનાવી દીધા. રતી સાથે બન્નેને લગાવ નહોતો, તે અલગ થઈ ગઈ. તેનાં ફેફસાંમાં ક્ષયની બીમારી પ્રવેશી. લંડનમાં અને મુંબઈમાં સારવાર કરાવવામાં આવી. ૨૯મા જન્મદિવસે તેણે વિદાય લીધી ત્યારે પણ બે મહિના પહેલાં ઝીણાને લખ્યું હતું કે કોઈ પુરુષને ન મળ્યો હોય એટલો પ્યાર તને આપ્યો છે. હવે મારી એટલી પ્રાર્થના છે કે જે ટ્રૅજેડીનો પ્રારંભ પ્યારથી થયો હતો એવો જ અંત પ્યારથી આવે.
ઝીણા આવ્યા, પણ મોડા પડ્યા. રતીની ઇચ્છા તો હિન્દુ વિધિ પ્રમાણે અગ્નિસંસ્કારની હતી, પણ ઝીણાએ ના પાડી. મુસ્લિમ લીગનું રાજકારણ આ ઇનકાર પાછળ હતું. ચર્ની રોડ પીઆર ઇસ્માઇલી શિયા સંપ્રદાયની ઉપશાખા અશરી સમાજનું કબ્રસ્તાન અહીં છે. ત્યાં તેને દફનાવવામાં આવી. ઝીણા બાળકની જેમ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. રતીની વારસદાર દીના અને તેની પુત્રી મુંબઈ રહી અને વાડિયા પરિવારમાં લગ્ન કર્યાં. કેવી ઉદાસ અને જીવનનો બોધપાઠ શીખવતી આ ઐતિહાસિક ઘટના છે.

national news new delhi