01 January, 2023 09:53 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : વૉટ્સઍપે એના ટ્વિટર હૅન્ડલ પર ભારતનો અયોગ્ય નકશો બતાવતું એક ગ્રાફિક પોસ્ટ કર્યું હતું. જેના પછી કેન્દ્રીય આઇટીપ્રધાન રાજીવ ચન્દ્રશેખરે ગઈ કાલે આ મેસેજિંગ પ્લૅટફૉર્મને ચેતવણી આપી હતી.
ગ્લોબમાં ભારતને હાઇલાઇટ કરતી વખતે આ નકશામાં પીઓકે તેમ જ ચીન દ્વારા દાવો કરવામાં આવતા કેટલાક ભારતીય પ્રદેશોને બાકાત રાખવામાં આવ્યા હતા.
વૉટ્સઍપને આ નકશામાં ભૂલ સુધારવાની ‘વિનંતી’ કરતાં પ્રધાને ટ્વીટ કર્યું હતું કે ‘ભારતમાં બિઝનેસ કરતાં અને ભારતમાં બિઝનેસ સતત ચાલુ રાખવા માગતાં તમામ પ્લૅટફૉર્મે અચૂક સાચા નકશાનો ઉપયોગ કરવો જોઈએ.’
ચન્દ્રશેખરે વૉટ્સઍપની માલિકી ધરાવતી મેટાને ટૅગ કરી હતી. વૉટ્સઍપ દ્વારા નવા વર્ષની પૂર્વસંધ્યાએ પોતાના મલ્ટિ-લોકેશન લાઇવ સ્ટ્રીમની પબ્લિસિટી માટે આ ટ્વીટ કર્યાને થોડા જ કલાકમાં કેન્દ્રીય પ્રધાને આ ભૂલ પકડી હતી અને મેટા સમક્ષ રજૂઆત કરી હતી. ભારતીય પ્રદેશને અયોગ્ય રજૂ કરવાથી પોલીસકેસ થઈ શકે છે અને કાયદા હેઠળ જેલની સજાની પણ જોગવાઈ છે.