24 July, 2024 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : સતેજ શિંદે
દેશના સામાન્ય બજેટની સાથે રેલવે બજેટ પર પણ લોકોની નજર હતી. આ બજેટમાં નિર્મલા સીતારમણે ભારતીય રેલવે બજેટનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. ભારતીય રેલવે બજેટ
અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એને કારણે કહેવાય છે કે રેલવે સ્ટૉકમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ત્યાર બાદ રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા પ્રેસ-કૉન્ફરન્સમાં સવિસ્તર રેલવે બજેટ આપવામાં આવ્યું હતું. રેલવેપ્રધાને કહ્યું હતું કે રેલવે માટે આ ઐતિહાસિક બજેટ છે, કારણ કે આ વખતે ૨,૬૨,૨૦૦ કરોડ રૂપિયા કૅપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે, જ્યારે ૨૦૧૪માં એ ફક્ત ૩૫,૦૦૦ કરોડ રૂપિયા હતું. આ બજેટ પ્રવાસીઓની સેફ્ટી માટેની પ્રવૃત્તિઓ પર વધુ ફોકસ કરશે.
ભારતીય રેલવેના ૨૦૨૩-’૨૪ના વચગાળાના બજેટમાં રેલવે સુરક્ષા, નવા કોચ, ટ્રેન અને કૉરિડોર જેવી મુખ્ય પ્રાથમિકતાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. રેલવે બજેટ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે કર્મચારીઓના પેન્શનમાં કોઈ પ્રકારનો વધારો થશે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘બજેટમાં નાણાંની ફાળવણીમાંથી ૧,૦૮,૦૦૦ કરોડ
રૂપિયા ખર્ચ રેલવેની સુરક્ષાવ્યવસ્થા માટેની પ્રવૃત્તિઓ પર કરવામાં આવશે. આ સુરક્ષાપ્રવૃત્તિઓમાં જૂના ટ્રૅકને બદલીને નવા ટ્રૅક બેસાડવા, સિગ્નલિંગ સિસ્ટમમાં સુધારો કરવો, ફ્લાયઓવર અને અન્ડરપાસ બનાવવા અને કવચ માટે બજેટ ફાળવાયું છે. કવચ ૪.૦ થોડા દિવસ પહેલાં અપ્રૂવ કરાયું છે અને આ કવચ હાર્ડવેર, સૉફ્ટવેર, ટેલિકૉમ ટાવર, ઓમ્ટિકેબલ ફાઇબર, ઑન-ટ્રૅક સિસ્ટમ, ડેટા સેન્ટ્રલ સ્ટેશનનું એક કૉમ્બિનેશન છે. કવચથી રેલવેનું વિશાળ નેટવર્ક વધુ ઝડપી બનશે. ૨૦૧૪માં પ્રતિ દિન ચાર કિલોમીટર નવા ટ્રૅકનું કન્સ્ટ્રક્શન થતું હતું અને ગયા નાણાકીય વર્ષમાં રેલવેએ પ્રતિ દિન ૧૪.૫ કિલોમીટર ટ્રૅકનું કન્સ્ટ્રક્શન કર્યું હતું. બજેટમાં ઇન્ફ્રાટ્રક્ચર વધારવું, નવા કોચિસ બનાવવા, નવી ટેક્નૉલૉજી લાવવી વગેરે માટે કામ કરાઈ રહ્યું છે. ૨૦૧૪થી પહેલા સાત વર્ષમાં ૨૦,૦૦૦ કિલોમીટર ઇલેક્ટ્રિફિકેશન અને ૧૦ વર્ષમાં ૪૦,૦૦૦ કિલોમીટર ઇલેક્ટ્રિફિકેશન થયું હતું. ગયા વર્ષે ૭૦૦ કરોડ પ્રવાસીઓએ રેલવેમાં પ્રવાસ કર્યો હતો અને જનરલ કોચ માટે ડિમાન્ડ વધી રહી છે એટલે ૨૫૦૦ વધારાના જનરલ કોચ મૅન્યુફૅક્ચર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૧૦,૦૦૦ જનરલ કોચ બનાવવાની મંજૂરી મળી છે. આ બન્ને વિષયનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રેલવેમાં પાછલાં વર્ષોમાં પાંચ લાખથી વધુ નોકરી અપાઈ છે અને વધુ ભરતી પણ કરવામાં આવશે. અમુક ડ્રીમ પ્રોજેક્ટ્સ જેમ કે કાશ્મીરની કનેક્ટિવિટી અને નૉર્થ-ઈસ્ટ કનેક્ટિવિટી પર પણ ભાર મુકાયો છે. વંદે સ્લીપર, વંદે ભારત, અમૃત ભારત ટ્રેનો પર પણ આ બજેટમાં ફોકસ કરવામાં આવ્યું છે. દરેક રાજ્યમાં કૅપિટલ અલૉટમેન્ટ કરવામાં આવ્યું છે.’