કૉન્ગ્રેસના મૅનિફેસ્ટોમાંથી આખી સ્કીમ ઉઠાવી, આ તો નકલચી (કૉપી-પેસ્ટ) બજેટ : મલ્લિકાર્જુન ખડગે

24 July, 2024 02:53 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ખડગેએ કહ્યું હતું કે કૉન્ગ્રેસના મૅનિફેસ્ટો ન્યાય પત્ર ૨૦૨૪માં અમે ‘પહલી નૌકરી પક્કી’ સ્કીમ રજૂ કરી હતી જેને આ બજેટમાં સામેલ કરવામાં આવી છે

મલ્લિકાર્જુન ખડગે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટમાં પહેલી વાર નોકરી મેળવનારા કર્મચારીઓ માટે ઇન્ટર્નશિપની જે યોજના જાહેર કરી છે એ મુદ્દે કૉન્ગ્રેસ-પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બજેટને નકલચી (કૉપી-પેસ્ટ) ગણાવ્યું છે. ખડગેએ કહ્યું હતું કે કૉન્ગ્રેસના મૅનિફેસ્ટો ન્યાય પત્ર ૨૦૨૪માં અમે ‘પહલી નૌકરી પક્કી’ સ્કીમ રજૂ કરી હતી જેને આ બજેટમાં સામેલ કરવામાં આવી છે. આ નકલચી બજેટ છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઇન્ટર્નશિપ અલાવન્સ તરીકે દર મહિને ૫૦૦૦ રૂપિયા અને એક વાર ૬૦૦૦ રૂપિયાની સહાય આપવાની બજેટમાં જાહેરાત કરી છે. ટોચની ૫૦૦ કંપનીઓમાં આ સ્કીમ લાગુ કરાશે, જેમાં પાંચ વર્ષમાં એક કરોડ નોકરીઓ આપવામાં આવશે.

આ મુદ્દે ભૂતપૂર્વ નાણાપ્રધાન અને કૉન્ગ્રેસના નેતા પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે ‘ચૂંટણીના પરિણામ બાદ સીતારમણે કૉન્ગ્રેસનો મૅનિફેસ્ટો વાંચ્યો લાગે છે, કારણ કે એમાંથી થોડા આઇડિયા તેમણે આ બજેટમાં કૉપી-પેસ્ટ કર્યા છે. મૅનિફેસ્ટોના પાના નંબર ૩૦ પર એમ્પ્લૉયમેન્ટ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ELI)માંથી તેમણે આ યોજના બનાવી છે. તેમણે ઍપ્રેન્ટિસશિપ સ્કીમ વિવિધ લાભ સાથે રજૂ કરી છે જેનો ઉલ્લેખ પણ કૉન્ગ્રેસના મૅનિફેસ્ટોના પાના નંબર ૧૧ પર થયો છે. નાણાપ્રધાને હજી વધારે આઇડિયા કૉપી કરવાની જરૂર હતી.’

union budget mallikarjun kharge congress national news