24 July, 2024 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમર અંબાણી
કૅપિટલ ગેઇન્સ ટૅક્સ મુક્તિમર્યાદામાં કરાયેલા વધારા અને ઇન્ડેક્સેશનના લાભને નાબૂદ કરવામાં આવેલા પગલાએ રોકાણકાર વર્ગને નિરાશ કર્યો છે. એ એકમાત્ર અપવાદ સિવાય બજેટ સંતુલિત અને નીતિની દૃષ્ટિએ સાતત્યપૂર્ણ રહ્યું છે. નાણાકીય ખાધનો અંદાજ ૪.૯ ટકા મૂકવામાં આવ્યો છે એ પ્રબળ સકારાત્મક પાસું છે. કૃષિ ક્ષેત્રને ૧.૫ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે એ અપેક્ષા મુજબ જ છે. એને પગલે ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે. વ્યક્તિગત આવકવેરાના સ્લૅબમાં અપાયેલી નજીવી રાહત માગના મોરચે સાનુકૂળ અસર કરશે. MSMEsને નાણાકીય રીતે સક્ષમ બનાવવા અને તેમની ઋણ લેવાની ક્ષમતા વધારવા માટે નોંધપાત્ર પ્રયત્ન કરવામાં આવ્યા છે. સરકારનો મૂડીખર્ચ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના ૩.૪ ટકા સુધી રાખવાનો નિર્ણય પણ મજબૂત અને નીતિને સુસંગત છે. સરકાર જમીન અને આવાસની નોંધણી સાથે અર્થતંત્રના ડિજિટાઇઝેશનને આગળ ધપાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મને લાગે છે કે નાણાપ્રધાને વેરામાળખાને સરળ બનાવવા અને વિવાદોમાં ઘટાડો કરવા કસ્ટમ્સ ડ્યુટી સહિતના કરમાળખાની પુનર્સમીક્ષા કરવાનું કહ્યું છે. એ જોતાં લાગે છે કે આગામી વર્ષે બજેટ આનાથી પણ અધિક સારું હશે.
- અમર અંબાણી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર - યસ સિક્યૉરિટીઝ