આશાવાદી બજેટ, રિયલ એસ્ટેટ સેક્ટર દેશની આર્થિક સમૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપશે

24 July, 2024 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બજેટમાં અર્બન હાઉસિંગમાં શહેરમાં રહેતા ગરીબો માટે ૧ કરોડ નવાં ઘર બાંધવા અને ૧૦ લાખ કરોડની ફાળવણી કરવાની બાબત ઘણી સારી છે

જિતેન્દ્ર મહેતા

નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું બજેટ આશાવાદી અને રિયલ એસ્ટેટ સેક્ટર માટે યોગ્ય છે. નાણાપ્રધાને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ખર્ચ અને રોજગાર-સર્જન પર ધ્યાન આપવાની સાથે માઇક્રો, સ્મૉલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ સેક્ટરને પુનર્જીવિત કરવા પર ભાર મૂક્યો છે. આવકવેરાને લઈને સકારાત્મક ફેરફાર કર્યા છે. એનાથી આર્થિક વૃદ્ધિ થશે અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં માગણીમાં વધારો થશે. તેમણે શહેરી વિકાસ પર ભાર મૂક્યો છે જે એક સારી વાત છે. થાણેમાં ઘર લેવા આતુર લોકો તેમનું સપનાનું ઘર ખરીદી શકશે અને સપનાને વાસ્તવિક બનાવી શકશે.

બજેટમાં અર્બન હાઉસિંગમાં શહેરમાં રહેતા ગરીબો માટે ૧ કરોડ નવાં ઘર બાંધવા અને ૧૦ લાખ કરોડની ફાળવણી કરવાની બાબત ઘણી સારી છે. જમીન સંબંધિત અનેક સુધારા કરવામાં આવ્યા છે. બધી જમીનો માટે એક અનન્ય આધાર નંબરની ફાળવણી, જમીનના નકશાનું ડિજિટાઇઝેશન, જમીનનું સર્વેક્ષણ, લૅન્ડ રજિસ્ટ્રીની સ્થાપના અને શહેરી વિસ્તારમાં જમીનના રેકૉર્ડને ડિજિટાઇઝ કરવાનાં પગલાંની સકારાત્મક અસર જોવા મળશે. રેન્ટલ હાઉસિંગ, સ્માર્ટ સિટીઝ અને ટ્રાન્ઝિટ ઓરિયેન્ટેડ ડેવલપમેન્ટ જેવાં પગલાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં વિકાસની ગતિ લાવશે.

બજેટમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે જે શહેર તરફના લોકોના સ્થળાંતરની સમસ્યાને ઉકેલવામાં મદદ કરશે. હું આશાવાદી છું કે બજેટ મજબૂત અને સ્થિતિસ્થાપક રિયલ એસ્ટેટ વિકાસમાં પરિણમશે.

 

- જિતેન્દ્ર મહેતા, CREDAI-MCHI થાણેના પ્રેસિડન્ટ

union budget finance news finance ministry national news