01 February, 2023 10:54 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે બજેટ સેશનના પહેલા દિવસે સંસદના જૉઇન્ટ સેશનને સંબોધી રહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. તસવીર પી.ટી.આઇ.
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ સેશનની શરૂઆતમાં સંસદનાં જૉઇન્ટ સેશનને સંબોધન કર્યું હતું, જે દરમ્યાન રાષ્ટ્રપતિએ આતંકવાદ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેડ ઇન ઇન્ડિયા, ગ્રીન ગ્રોથ જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ સરકાર ડર્યા વિના કામ કરી રહી છે. રાષ્ટ્રપતિએ સર્જિકલ સ્ટ્રાઇક, આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી અને કલમ ૩૭૦ નાબૂદ જેવા મહત્ત્વના નિર્ણયોનો ઉલ્લેખ કર્યો હતો.
કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂરે રાષ્ટ્રપતિના સંબોધનની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ ચૂંટણીઓ લડતાં નથી, પરંતુ એમ જણાય છે કે બીજેપી સરકાર તેમના દ્વારા એનું આગામી ચૂંટણી અભિયાન કરાવી રહી છે. તેમની સમગ્ર સ્પીચ એક ઇલેક્શન સ્પીચ હતી; જે કેન્દ્ર સરકારે જે કંઈ કર્યું છે એ બદલ એની પ્રશંસાની કોશિશ હતી.’
ગ્રીન ગ્રોથ પર સરકારનું ફોકસ
રાષ્ટ્રપતિએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ભારતે એ વિચારસરણીને બદલી છે કે જે પ્રગતિ અને પ્રકૃતિને પરસ્પર વિરોધી માનતી હતી. મારી સરકાર ગ્રીન ગ્રોથ પર ભાર મૂકી રહી છે.
ગુલામીનાં નિશાન નાબૂદ
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે અમૃતકાળમાં ગુલામીના દરેક નિશાન અને એ પ્રકારની માનસિકતાથી મુક્તિ અપાવવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે, જે હેઠળ જ રાજપથ હવે કર્તવ્યપથ બની ચૂક્યો છે. મુઘલ ગાર્ડન હવે અમૃત ઉદ્યાન તરીકે જાણીતો થયો.
મેડ ઇન ઇન્ડિયા
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે મેડ ઇન ઇન્ડિયા અભિયાન અને આત્મનિર્ભર ભારત અભિયાનના લાભ મળવાના શરૂ થઈ ગયા છે. દેશમાં મૅન્યુફૅક્ચરિંગ ક્ષમતા વધી રહી છે અને મોટી-મોટી કંપનીઓ ભારતમાં આવી રહી છે. આપણી સંરક્ષણ નિકાસ છ ગણી વધી છે.
આ પણ વાંચો : Union Budget પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું ભાષણ, મોદી સરકારની કરી પ્રશંસા
ડિજિટલ વ્યવસ્થા પર ભાર
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે મારી સરકારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડિજિટલ ઇન્ડિયા તરીકે પારદર્શક વ્યવસ્થા તૈયાર કરી છે. ૩૦૦થી વધારે યોજનાઓના લગભગ ૨૭ લાખ કરોડ રૂપિયા સીધા લાભાર્થીઓનાં ખાતાંમાં પહોંચ્યા છે. સરકારી કામોમાં ટેન્ડર અને ખરીદી માટે ઈ-માર્કેટ પ્લેસની વ્યવસ્થા છે.
સ્ટાર્ટ-અપ્સ હબ બન્યું
ભારતીય યુવાનો આજે ઇનોવેશનની તાકાત બતાવી રહ્યા છે, જેનું પરિણામ એ છે કે દેશમાં સ્ટાર્ટ-અપની સંખ્યા ૯૦,૦૦૦થી વધી ગઈ છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ
રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે છેલ્લાં આઠ વર્ષોમાં દેશમાં મેટ્રો નેટવર્ક ત્રણ ગણું વધ્યું છે. દેશનાં ૨૭ શહેરોમાં મેટ્રો ટ્રેન ચલાવવાની યોજના પર કામ થઈ રહ્યું છે. સાથે જ દેશમાં ૧૦૦થી વધારે નવા વૉટરવે દેશના ટ્રાન્સપોર્ટ સેક્ટરની કાયાપલટ કરશે.
આયુષ્માન ભારત-જન ઔષધિ યોજનાઓ
દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત અને જન ઔષધિ યોજનાઓથી દેશમાં ગરીબોને મદદ મળી છે. માત્ર આ બે યોજનાઓથી એક લાખ કરોડ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવી છે.
વિદેશનીતિ
સંબોધનમાં તેમણે એમ પણ કહ્યું હતું કે દુનિયાએ આતંકવાદના મામલે ભારતના ‘ટફ સ્ટૅન્ડ’ની નોંધ લીધી છે. ભારતના વૈશ્વિક સંબંધોનો અત્યારનો તબક્કો શ્રેષ્ઠ છે.