બીટકૉઇન મામલે અમેરિકનો ભલે ખુશ થાય પણ, ભારતે જરા પણ ખુશ થવા જેવું નથી

12 January, 2024 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકાની ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે અથવા ઘટાડો કરે એનું પગલું વિશ્વની મોટા ભાગની કેન્દ્રીય બૅન્કો સહિત આરબીઆઇ પણ અનુસરતી હોય છે.

પ્રતીકાત્મક તસવીર

ક્રિપ્ટોકરન્સી વર્લ્ડમાં હાલના સમયમાં ખુશીનો માહોલ છે. અમેરિકાની નિયામક યુએસ સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી)એ સ્પૉટ બીટકૉઇન એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ)ને મંજૂરી આપી દીધી છે. આમ એક રીતે વિશ્વમાં ક્રિપ્ટોકરન્સી પ્રત્યે જે નકારાત્મક વલણ હતું એ હવે રહેશે નહીં. અમેરિકા જેવા દેશે બીટકૉઇન ઈટીએફને મંજૂરી આપતાં અન્ય દેશોની સરકાર અને કેન્દ્રીય બૅન્કો પણ ક્રિપ્ટોકરન્સીને દેશની નાણાકીય પ્રણાલીમાં કઈ રીતે સમાવી શકાશે એ તરફ વિચાર કરી શકે છે, પરંતુ ભારતે હજી ખુશ થવાની જરૂર નથી, કારણ કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ગવર્નરની નકારાત્મક ટિપ્પણી પણ આવી ગઈ છે.  

‘વિશ્વ ‘ક્રિપ્ટો મેનિયા’ને સંભાળી શકશે નહીં’
અમેરિકાની ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે અથવા ઘટાડો કરે એનું પગલું વિશ્વની મોટા ભાગની કેન્દ્રીય બૅન્કો સહિત આરબીઆઇ પણ અનુસરતી હોય છે. ‘વૉલ સ્ટ્રીટ’માં જે રીતે વધ-ઘટ થતી હોય એની અસર દલાલ સ્ટ્રીટ પર પણ પડતી હોય છે, પરંતુ અમેરિકાની નિયામકને ભારત અનુસરશે એવી શક્યતા ઓછી, કારણ કે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત 
દાસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ક્રિપ્ટોકરન્સી બાબતે આરબીઆઇનો મત બદલાશે નહીં. તેમણે કહ્યું કે ક્રિપ્ટોકરન્સીનો માર્ગ ખૂબ જોખમી છે અને મારા મતે વિશ્વ અથવા ઇમર્જિંગ માર્કેટ્સ ક્રિપ્ટો મેનિયાને સંભાળી શકશે નહીં.

ક્રિપ્ટોકરન્સીની સરખામણી ટ્યુલિપ મેનિયા સાથે થઈ
આરબીઆઇના ગવર્નરે કહ્યું કે ક્રિપ્ટો મેનિયાને ટ્યુલિપ મેનિયાની જેમ વિશ્વ સંભાળી શકશે નહીં. ૧૬૩૪થી ૧૬૩૭ દરમ્યાન ટ્યુલિપ મેનિયાનો સમયગાળો કહેવાતો હતો, જેમાં ફૅશનેબલ ટ્યુલિપના કૉન્ટ્રૅક્ટ્સ-પ્રાઇસ ખૂબ જ વધી ગયા હતા. ભાવમાં ઘટાડો થવાની શરૂઆત થઈ એ પછી આ દેશના અર્થતંત્ર પર માઠી અસર થઈ હતી. એ સિવાય દાસે કહ્યું કે તાજેતરમાં ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (આઇએમએફ)એ તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીમાં અતિરિક્ત નિયંત્રણો લાદવાં જોઈએ. 

વિશ્વમાં બીટકૉઇન ઈટીએફથી આ કંપનીઓને ફાયદો
એસઈસીએ ઇનવેસ્કો ગૅલૅક્સી, બ્લૅકરૉક, ફ્રૅન્કલિન ટેમ્પ્લટન, બીટવાઇઝ, ફાઇડાલિટી, વાલ્કેરી, ગ્રેસ્કેલ, વિસ્ડમટ્રી વગેરેની સ્પૉટ બીટકૉઇન ઈટીએફને લિસ્ટ કરવા માટે મંજૂરી આપી છે. પરિણામે આગામી સમયમાં આ કંપનીઓને ફાયદો થશે. આમાંથી બ્લૅકરૉક સહિત ઘણી કંપનીઓનું ભારતીય લિસ્ટેડ કંપનીઓમાં ટોચના ૧૦ શૅરહોલ્ડર્સમાં નામ આવે છે. 
ભારતમાં ઇલેક્શન પહેલાં કોઈ વિચારણા નહીં થાય

ભારતમાં આ વર્ષે ઇલેક્શન છે. પરિણામે નાણાં મંત્રાલય હાલમાં આ બાબતે વિચારશે નહીં. અમેરિકા સહિત વિશ્વમાં બીટકૉઇન ઈટીએફને કેવી પ્રતિક્રિયા મળે છે અને એની દેશના અર્થતંત્ર પર કેવી અસર પડે છે એનાં દરેક પાસાં સમજ્યા બાદ જ ભવિષ્યમાં કોઈ નિર્ણય લેવાઈ શકે છે. ભારતમાં હજી માહોલ નકારાત્મક છે. બુધવારે જ સમાચાર આવ્યા હતા કે ઍપલની ઇન્ડિયા સ્ટોરમાંથી ૯ વિદેશી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ ઍપને કાઢી મૂકવામાં આવી છે, કારણ કે ભારત સરકારે તેમને અનુપાલન સંબંધિત શો-કૉઝ નોટિસ ફટકારી હતી. ઓકેએક્સ, બાઇનૅન્સ, કુકોઈન, હુબી, ક્રાકેન, ગેટ.આઇઓ, બીટરેક્સ, એમઈએક્સસી ગ્લોબલ અને બીટફાઇનૅક્સને સરકારે નોટિસ ફટકારી હતી. આમ વિશ્વ ક્રિપ્ટોકરન્સીને અપનાવી રહ્યું છે ત્યારે ભારતમાં અગ્રણી ક્રિપ્ટો એક્સચેન્જની મોબાઇલ ઍપ પણ ટકી શકતી નથી. 

બીટકૉઇન ઈટીએફમાં આગળ શું?
બીટકૉઇન ઈટીએફને મંજૂરી મળતાં થોડા દિવસોમાં જે કંપનીઓએ અરજી સ્વીકારવામાં આવી છે તેમની પ્રોડક્ટ્સ લૉન્ચ થશે. અંદાજ છે કે ઈટીએફમાં અબજો ડૉલરનો પ્રવાહ જોવા મળશે. ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ લાંબા ગાળાની દૃષ્ટિએ ઈટીએફમાં રોકાણ કરી શકે છે. હવે ક્રિપ્ટો વર્લ્ડ ઈથર ઈટીએફની મંજૂરીની રાહ જોશે. બ્લૅકરૉક અને ફાઇડાલિટીએ થોડા સમય પહેલાં જ સ્પૉટ ઇથેરિયમ ઈટીએફ માટે મંજૂરી માગી છે. બીટકૉઇન ઈટીએફમાં નાણાપ્રવાહ વધશે અને આગામી સમયમાં ઇથેરિયમ ઈટીએફ પણ લૉન્ચ થઈ શકે છે. બીટકૉઇન ઈટીએફને લીધે અગ્રણી ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ શૅરબજારમાં પોતાનું એક્સપોઝર ઘટાડે છે કે નહીં એ જોવાનું રહેશે. 

એસઈસીએ પોતાનું ધ્યાન રાખવું
જે નિષ્ણાતો બીટકૉઇન ઈટીએફના નિર્ણયથી ખુશ નથી તેઓ એસઈસીને ડિજિટલ વર્લ્ડને પ્રોત્સાહન આપતાં પહેલાં પોતાની સાઇબર સિક્યૉરિટી વ્યવસ્થિત કરવાની સલાહ આપી રહ્યા છે. ૯ જાન્યુઆરીએ એસઈસીના એક્સ અકાઉન્ટ (ટ્વિટર અકાઉન્ટ)માં એક ટ્વીટ કરવામાં આવ્યું, જેમાં કહ્યું કે બીટકૉઇન ઈટીએફને અમેરિકામાં મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ ગણતરીની મિનિટોમાં નિયામકના ચૅરપર્સન ગેરી જેનસ્લરે તેમના અધિકૃત અકાઉન્ટથી સ્પષ્ટતા કરી કે એસઈસીનું ટ્વીટ ખોટું છે અને નિયામકે હજી સુધી સ્પૉટ બીટકૉઇન ઈટીએફના લિસ્ટિંગ અથવા ટ્રેડિંગને મંજૂરી આપવાનો નિર્ણય લીધો નથી. આ પ્રકરણને લીધે ક્રિપ્ટો ટ્રેડર્સ ગૂંચવાયા હતા. હવે નિયામકની જ ટીકા કરવામાં આવી રહી છે કે તેમની પાસે સાઇબર હુમલા અને ઑનલાઇન પડકારો સામે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી.  

બીટકૉઇનના ભાવમાં ઉછાળો
ભારતમાં ક્રિપ્ટોકરન્સીને ભલે નકારાત્મક રીતે જોવાતી હોય, પરંતુ એસઈસીના નિર્ણયથી ખુશ હોવાનું જણાય છે. ગુરુવારે સાંજે ૪ વાગ્યાની આસપાસ ૩.૦ વર્સનો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ આઇસી૧૫માં સાડાત્રણ ટકા જેટલો વધારો થયો હતો. બીટકૉઇન ઈટીએફ પ્રકરણના મિશ્ર અહેવાલો વચ્ચે ક્રિપ્ટોકરન્સી બજારમાં છેલ્લા ઘણા સમયથી તીવ્ર વૉલેટિલિટી હતી. બીટકૉઇને પણ ફરી ૪૬,૦૦૦ ડૉલરનું સ્તર પાર કર્યું હતું. એ સિવાય અગ્રણી અલ્ટકૉઇન્સમાં પણ એસઈસીની નિર્ણયની સકારાત્મક અસર પડી હતી. ઇથેરિયમમાં ૭.૭૫ ટકા અને એક્સઆરપીમાં ૫.૬૭ ટકાનો વધારો થયો હતો તેમ જ ટેસ્લાના ઇલૉન મસ્કના ફેવરિટ ડોજકૉઇનમાં પણ સાડાપાંચ ટકાથી અધિકનો વધારો થયો હતો. 

national news reserve bank of india crypto currency