મને સંસદમાં બોલતો રોકવામાં આવ્યો, ચૂંટાયેલી સરકારનો અવાજ દબાવવાની કોશિશ થઈ

23 July, 2024 09:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તમામ પક્ષોએ આગામી પાંચ વર્ષમાં દેશની પ્રગતિ માટે એક સાથે મળીને કામ કરવું જોઈએ એવી હાકલ સાથે નરેન્દ્ર મોદીએ વિપક્ષો પર કર્યા આકરા પ્રહાર

ગઈ કાલે બજેટ સેશન પહેલાં સંસદભવનની બહાર મીડિયાને સંબોધન કરતા નરેન્દ્ર મોદી

સંસદના મૉન્સૂન સત્રની શરૂઆતમાં ગઈ કાલે સંસદભવનની બહાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધતાં કહ્યું હતું કે ‘વિપક્ષી દળો નેગેટિવ પૉલિટિક્સ કરી રહ્યાં છે, તેઓ પોતાની ખામીઓ છુપાવવા માટે સંસદનો દુરુપયોગ કરી રહ્યાં છે. રાજકીય પક્ષોએ દેશની સંસદમાં રાષ્ટ્રને પ્રાથમિકતા આપવી જોઈએ.’

તમે જોયું હશે કે મારા ત્રીજા કાર્યકાળના પહેલા સત્રમાં અલોકતાંત્રિક પદ્ધતિથી મને સંસદમાં બોલતો રોકવામાં આવ્યો હતો એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ત્રીજી ટર્મમાં ચૂંટાઈ આવેલી સરકારનો અવાજ દબાવવાની કોશિશ થઈ. મારા અઢી કલાકના ભાષણમાં મારો અવાજ લોકો સુધી ન પહોંચે એની કોશિશ થઈ, મને બોલવા દેવામાં આવતો નહોતો. દેશના લોકોએ મને પાર્ટીનું નહીં, દેશનું કામ કરવા મોકલ્યો છે. સંસદ દેશ માટે છે, પાર્ટી માટે નહીં.’

નરેન્દ્ર મોદીએ બીજું શું કહ્યું?

આગામી કેન્દ્રીય બજેટ આવનારાં પાંચ વર્ષની ભારતની યાત્રા નક્કી કરશે અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યાંકને સિદ્ધ કરવાનો પાયો રાખશે. તમામ પક્ષોએ હવે પાંચ વર્ષમાં દેશની પ્રગતિ માટે એકસાથે મળીને કામ કરવું જોઈએ.

હવે ચૂંટણી પૂરી થઈ છે, હવે રાષ્ટ્રીય હિતો પર ધ્યાન આપવાનો સમય છે. અમે લોકોને એ જણાવ્યું જે અમે કરવા માગીએ છીએ. કેટલાકે લોકોને ગુમરાહ કર્યા, પણ હવે બધું પૂરું થયું, લોકોએ ચુકાદો આપી દીધો છે.

હવે ૨૦૨૯ની જાન્યુઆરીમાં ચૂંટણી-વર્ષમાં તમે ચૂંટણીના મેદાનમાં જજો, ત્યાં સુધી કામ કરવા સંસદનો ઉપયોગ કરી શકો છો.

વિરોધીઓના વિચાર આવકાર્ય છે, પણ તેમણે એક વાત સમજવી જોઈએ કે નકારાત્મકતા હાનિકારક છે. લોકોએ આપણને તેમનાં કામ માટે મોકલ્યા છે, તેમની પાર્ટીનાં કામ માટે નહીં. આ સંસદ પાર્ટી માટે નહીં, પણ દેશ માટે છે. આ સંસદ માત્ર સંસદસભ્યો માટે નથી, પણ દેશના ૧૪૦ કરોડ લોકો માટે છે.

સંસદનું આ મૉન્સૂન સત્ર ભારતની લોકતાંત્રિક યાત્રામાં મહત્ત્વનું સોપાન સાબિત થશે. મારા અને મારા સહયોગીઓ માટે આ ગર્વની વાત છે કે ૬૦ વર્ષ બાદ અમે અમારા કાર્યકાળની ત્રીજી ટર્મમાં પહેલું બજેટ રજૂ કરી રહ્યા છીએ. ૬૦ વર્ષ બાદ એક સરકાર સતત ત્રીજી વાર સત્તામાં આવી છે અને એને ત્રીજી ટર્મનું પહેલું બજેટ રજૂ કરવાનું સૌભાગ્ય મળ્યું છે.

દેશના લોકોને મેં જે ગૅરન્ટી આપી છે એને ધીમે-ધીમે સાકાર કરવા માટે અમે આગળ વધી રહ્યા છીએ. આ બજેટ અમૃતકાળનું મહત્ત્વપૂર્ણ બજેટ છે.

union budget narendra modi national news