ગૅન્ગસ્ટર અતિક અહમદને આજીવન કેદની સજા

29 March, 2023 12:19 PM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

ઉમેશ પાલ અપહરણ કેસમાં ભૂતપૂર્વ રાજકારણી સહિત અન્ય બેને કોર્ટે ફટકારી સજા

ગૅન્ગસ્ટર-રાજકારણી અતિક અહમદ

અહીંની એમપી-એમએલએ કોર્ટે ગઈ કાલે વર્ષ ૨૦૦૬ના ઉમેશ પાલ અપહરણ કેસમાં દોષી ઠરેલા ગૅન્ગસ્ટર-રાજકારણી અતિક અહમદ તથા અન્ય બેને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. અતિક અહમદના ભાઈ આઝિમ ઉર્ફે અશરફ તથા અન્ય છ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 

સરકારી વકીલ ગુલાબ ચંદ્ર અગ્રહરીએ જણાવ્યું હતું કે અહીંની વિશેષ એમપી-એમએલએ કોર્ટના જજ દિનેશ ચંદ્ર શુક્લાએ અતિક અહમદ ઉપરાંત વકીલ સૌલત હનીફ અને દિનેશ પાસીને આઇપીસીના સેક્શન ૩૬૪ હેઠળ દોષી ઠરાવ્યા હતા. આ સેક્શન હેઠળ મહત્તમ સજા ફાંસીની છે. અતિક અહમદ વિરુદ્ધ દાખલ કરાયેલા ૧૦૦ કેસ પૈકી પહેલી વાર તેને દોષી જાહેર કરવામાં આવ્યો છે. 

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગયા મહિને સમાજવાદી પાર્ટી પર અતિક અહમદ જેવા માફિયાઓને માળા પહેરાવવાનો આક્ષેપ મૂકતાં રાજ્ય વિધાનસભામાં ‘માફિયા કો મિટ્ટી મેં મિલા દેંગે’ એમ કહ્યું હતું.

જાન્યુઆરી, ૨૦૦૫ની ૨૫ તારીખે એ સમયના બીએસપીના વિધાનસભ્ય રાજુ પાલની હત્યા બાદ એ સમયના જિલ્લા પંચાયતના સભ્ય ઉમેશ પાલે તેઓ આ હત્યાના સાક્ષી હોવાનું પોલીસને જણાવ્યું હતું.   

ઉમેશ પાલે એવો આક્ષેપ કર્યો હતો કે તેણે જ્યારે અતિક અહમદના દબાણ હેઠળ પીછેહઠ કરવાની ના પાડી તો ૨૦૦૬ની ૨૮ ફેબ્રુઆરીએ બંદૂકની અણીએ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં ૨૦૦૭ની પાંચમી જુલાઈએ અતિક અહમદ, તેના ભાઈ અને અન્યો વિરુદ્ધ એફઆઇઆર નોંધાયો હતો. પોલીસે ૧૧ જણ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાંથી એકનું કેસ ચાલુ હતો એ સમયે મૃત્યુ થયું હતું.

uttar pradesh yogi adityanath Crime News