યુક્રેને ક્રીમિયાનું ઉદાહરણ આપીને પાકિસ્તાન-ચીનથી ભારતને ચેતવ્યું

12 April, 2023 01:42 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રશિયાએ ૨૦૧૪માં યુક્રેનના ક્રીમિયા પર કબજો કર્યો હતો.

નવી દિલ્હીમાં ગઈ કાલે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ વર્લ્ડ અફેર્સ ખાતે યુક્રેનનાં નાયબ વિદેશપ્રધાન ઇમિને ડઝપરોવા.

યુક્રેને ક્રીમિયાનું ઉદાહરણ આપીને કોઈ પણ ભોગે વિસ્તાર વધારવાની નીતિ અપનાવતા પાકિસ્તાન અને ચીનથી ભારતને સચેત કરવાની કોશિશ કરી હતી. 

યુક્રેનનાં નાયબ વિદેશપ્રધાન ઇમીને ડઝપરોવાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે યુક્રેન પર રશિયાના આક્રમણ પહેલાંની ઘટનાઓના અનુભવથી ‘મુશ્કેલ પાડોશીઓ’ને કેવી રીતે હૅન્ડલ કરવા જોઈએ એનું ઉદાહરણ મળે છે. 

ડઝપરોવાએ દિલ્હીની સરકારી સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ વર્લ્ડ અફેર્સ ખાતે કહ્યું હતું કે ‘હું એક મેસેજ લઈને ઇન્ડિયા આવી છું. યુક્રેન ખરેખર ભારત અને યુક્રેન વચ્ચેના સંબંધો ગાઢ રહે એમ ઇચ્છે છે. આપણા સંબંધોનો ઇતિહાસ છે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘ભારત માટે પણ પાડોશી દેશો ચીન અને પાકિસ્તાન મુશ્કેલી સર્જી રહ્યાં છે. ક્રીમિયાની ઘટના ભારત માટે પણ એક પાઠ છે. પોતાનો એજન્ડા આગળ વધારવાની સતત કોશિશ કરનારાઓને કોઈ સજા ન થાય અને તેમને અટકાવવામાં ન આવે તો સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.’ રશિયાએ ૨૦૧૪માં યુક્રેનના ક્રીમિયા પર કબજો કર્યો હતો.

national news ukraine china pakistan