ઉજ્જૈન રેલવે-સ્ટેશનથી મહાકાલ મંદિર સુધીનો ૧.૭૬ કિલોમીટર લાંબો રોપવે બનશે

05 November, 2024 09:29 AM IST  |  Ujjain | Gujarati Mid-day Correspondent

૨૦૨૬ સુધીમાં તૈયાર થઈ જશે

મહાકાલેશ્વર મંદિર

મધ્ય પ્રદેશમાં આવેલા બાબા મહાકાલના ધામ ઉજ્જૈનમાં રેલવે-સ્ટેશનથી મહાકાલેશ્વર મંદિર સુધીનો ૧.૭૬ કિલોમીટર લાંબો રોપવે ૧૮૯ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવશે. આ કામનું ટેન્ડર ઓડિશાની એમ. એસ. ઇન્ફ્રા એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યું છે. ૨૦૨૬ સુધીમાં આ રોપવે બનીને તૈયાર થઈ જશે. આ રોપવે દ્વારા ભાવિકો રેલવે-સ્ટેશનથી માત્ર ૬ મિનિટમાં મંદિર પહોંચી શકશે. ૨૦૨૨માં કેન્દ્રીય પરિવહન અને હાઇવેઝ પ્રધાન નીતિન ગડકરીએ આ રોપવે યોજનાની જાહેરાત કરી હતી.

રેલવે-સ્ટેશનથી મંદિર પાસે આવેલી નૂતન સ્કૂલ સુધીના આ રોપવેની પ્રાથમિક કામગીરી કંપનીએ આરંભી દીધી છે. આ રોપવેમાં ૧.૭૬ કિલોમીટરમાં ત્રણ સ્ટેશન બાંધવામાં આવશે. આ રોપવે મોનોકેબલ ડિટૅચેબલ ગોંડોલા સિસ્ટમથી ઑપરેટ કરવામાં આવશે. આ રોપવેમાં ૪૮ કૅબિન હશે અને એકમાં ૧૦ પ્રવાસીઓ એકસાથે પ્રવાસ કરી શકશે. દિવસમાં ૧૬ કલાક માટે આ રોપવે કાર્યરત રહેશે અને રોજ ૬૦,૦૦૦થી વધુ ભાવિકો એમાં આવ-જા કરી શકશે.

રોજના અઢી લાખ ભાવિકો

મહાકાલેશ્વર મંદિરમાં આશરે બેથી અઢી લાખ ભાવિકો રોજ દર્શન કરવા પહોંચે છે. તહેવારોમાં આ આંકડો બમણો અને ક્યારેક તો ૧૦ લાખ સુધી પહોંચી જાય છે.

૨૦૨૮માં સિંહસ્થ કુંભમેળો

૨૦૨૮માં ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના તટે સિંહસ્થ કુંભમેળાનું આયોજન થવાનું છે અને તેથી એ પહેલાં આ રોપવે તૈયાર થવો જરૂરી છે.

ujjain madhya pradesh national news