ડાર્કનેટ અને સોશ્યલ મીડિયા પર ૬ લાખમાં મળતું હતું UGC-NETનું ક્વેશ્ચન પેપર

22 June, 2024 08:42 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

CBIએ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરી દીધો છે, પણ અત્યારે આરોપી અજાણી વ્યક્તિને બનાવી છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કેન્દ્ર સરકારે નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવેલી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન-નૅશનલ એલિજિબિલિટી ટેસ્ટ (UGC-NET)ની પરીક્ષા પેપર લીક થવાની આશંકાએ રદ કર્યા બાદ હવે એમાં નવી વિગતો બહાર આવી રહી છે.

મંગળવારે લેવાયેલી આ પરીક્ષાનું પ્રશ્નપત્ર ૪૮ કલાક પહેલાં જ ડાર્કનેટ અને સોશ્યલ ‌મીડિયા પર ૬ લાખ રૂપિયામાં મળતું હોવાનું સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને પ્રાથમિક તપાસ પરથી જાણવા મળ્યું છે. જોકે CBIને એ ક્યાંથી લીક થયું હતું એનો મુખ્ય સોર્સ હજી નથી મળ્યો.

CBI આ પેપર-લીકમાં કોઈ કોચિંગ સેન્ટરનો રોલ છે કે નહીં એની પણ તપાસ કરવાનું છે. એના માટે તેઓ અમુક સેન્ટર પર વિઝિટ પણ કરવાના હોવાનું સૂત્રોએ કહ્યું હતું. CBIએ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરી દીધો છે, પણ અત્યારે આરોપી અજાણી વ્યક્તિને બનાવી છે.

જે વ્યક્તિએ પરીક્ષાનાં પેપર સેટ કર્યાં હતાં તેમની અને આ પરીક્ષા સાથે સંકળાયેલા તમામ લોકોની પણ CBI પૂછપરછ કરવાની છે. દરમ્યાન વિરોધ પક્ષના દબાણને લીધે એજ્યુકેશન મિનિસ્ટ્રીએ પરીક્ષા રદ કરી હોવા બાબતે સ્પષ્ટતા કરતાં એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે ‘અમે કોઈના દબાણમાં આવીને આ પરીક્ષા રદ નથી કરી. અમને ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કો-ઑર્ડિનેશન સેન્ટર (14C)ના નૅશનલ સાઇબર ક્રાઇમ થ્રેટ ઍનલિટિક્સ યુનિટ તરફથી એવાં ઇન્પુટ મળ્યાં હતાં કે આ પરીક્ષા ઈમાનદારીપૂર્વક લેવામાં નથી આવી અને એને કન્ડક્ટ કરવામાં સમાધાન કરવામાં આવ્યું છે. આ ઇન્પુટ બાદ આ પરીક્ષાની પવિત્રતા જાળવી રાખવા અને પારદર્શકતા કાયમ રાખવા માટે એક્ઝામ કૅન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.’

UGC-NETની પરીક્ષા કૉલેજ અને યુનિવર્સિટીમાં અસિસ્ટન્ટ પ્રોફેસર અને જુનિયર રિસર્ચ ફેલોશિપના પદ માટે લેવામાં આવે છે. વર્ષમાં બે વાર આ પરીક્ષા લેવામાં આવે છે. ૧૧,૨૧,૦૦૦ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે નામ ‌રજિસ્ટર કરાવ્યાં હતાં, જેમાંથી ૯,૦૮,૦૧૦ સ્ટુડન્ટ્સે પરીક્ષા આપી હતી.

national news india Education central bureau of investigation