હિન્દુઓના નરસંહાર માટે આહ્‍વાન?

04 September, 2023 12:25 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તામિલનાડુના પ્રધાને કહ્યું કે સનાતન ધર્મને નાબૂદ કરવો જ રહ્યો, બીજેપીએ જ નહીં, પરંતુ સંતોએ પણ આ સ્ટેટમેન્ટનો ખૂબ જ વિરોધ કર્યો

તામિલનાડુના પ્રધાન તેમ જ મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિનના દીકરા ઉદયનિધિ સ્ટૅલિન

તામિલનાડુના પ્રધાન તેમ જ મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિનના દીકરા ઉદયનિધિ સ્ટૅલિનના એક સ્ટેટમેન્ટને લઈને હંગામો મચી ગયો છે. સ્ટૅલિને શનિવારે કહ્યું હતું કે સનાતન ધર્મ સામાજિક ન્યાયના ખ્યાલથી વિરુદ્ધ છે અને એને નાબૂદ કરવો જ રહ્યો. બીજેપીએ જ નહીં પરંતુ સંતોએ પણ આ સ્ટેટમેન્ટનો સખત વિરોધ કર્યો છે.

સ્ટૅલિને સનાતન ધર્મની ડેન્ગી અને મલેરિયા જેવી બીમારીઓની સાથે સરખામણી કરી હતી.

એક ઇવેન્ટમાં તેમણે કહ્યું હતું કે ‘હું સૌથી પહેલાં આ સંમેલનની આયોજન સમિતિનો આભાર વ્યક્ત કરું છું જેમણે મને ‘સનાતન ધર્મના અંત’ વિષય પર સંબોધવા માટેની તક આપી છે. આ સંમેલનનું ટાઇટલ ખૂબ સારું છે. તમે એને સનાતન વિરોધી સંમેલન ન રાખીને ‘સનાતન ધર્મનો અંત’ ટાઇટલ રાખ્યું છે. એ બદલ હું તમારી ખૂબ પ્રશંસા કરું છું. કેટલીક વસ્તુઓનો અંત લાવવો જ રહ્યો. જેમ કે, મચ્છર, ડેન્ગી, મલેરિયા, કોરોના એમને ખલાસ કરવા જ રહ્યા, જેનો વિરોધ ન કરી શકાય. સનાતન ધર્મ પણ આવો જ છે. સનાતન શું છે? સનાતન નામ સંસ્કૃત પરથી આવ્યું છે. સનાતન સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ છે.’

સ્ટૅલિને ચેન્નઈમાં લેખકોની એક કૉન્ફરન્સમાં આ સ્ટેટમેન્ટ આપ્યું હતું.

બીજેપીના અમિત માલવિયાએ એક્સ પ્લૅટફૉર્મ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘રાહુલ ગાંધી ‘મોહબ્બત કી દુકાન’ની વાત કરે છે, પરંતુ કૉન્ગ્રેસના સાથી ડીએમકેનો વારસદાર સનાતન ધર્મને નાબૂદ કરવાની વાત કરે છે. કૉન્ગ્રેસનું મૌન નરસંહાર માટેના આ આહ‍્વાનને સપોર્ટ છે. ઇન્ડિયા ગઠબંધનને તક આપવામાં આવે તો તેઓ સદીઓ જૂની ભારતીય સભ્યતાનો સંપૂર્ણ નાશ કરે.’

માલવિયાના આ ટ્વીટના જવાબમાં તામિલનાડુના આ પ્રધાને લખ્યું હતું કે ‘મેં ક્યારેય સનાતન ધર્મનું પાલન કરનારા લોકોના નરસંહાર માટે આહ‍્વાન આપ્યું નથી. સનાતન ધર્મ એક સિદ્ધાંત છે કે જે લોકોને ધર્મ અને જાતિના આધારે વિભાજિત કરે છે. સનાતન ધર્મને જડમૂળથી ઉખેડી ફેંકવાથી જ માનવતા અને માનવીય સમાનતા જળવાશે. હું વંચિતો અને હાંસિયામાં ધકેલાયેલા લોકો તરફથી બોલ્યો હતો કે જેમણે સનાતન ધર્મના કારણે સહન કરવું પડે છે.’

જે રીતે ઉદયનિધિએ સનાતન ધર્મ વિશે કહ્યું છે. સનાતન ધર્મમાંથી જ બીજા ધર્મો ઉત્પન્ન થયા છે. એને કોઈ રીતે નાબૂદ ન કરી શકાય. : સત્યેન્દ્ર દાસ, મુખ્ય પૂજારી, રામલલ્લા

સનાતન ધર્મ સદીઓથી છે અને રહેશે. ઇન્ડિયા ગઠબંધનમાં જેટલી પણ પાર્ટીઓ છે તેઓ પીએમ મોદી અને બીજેપીની વિરુદ્ધ નથી લડી રહ્યા, પરંતુ હિન્દુ સનાતન ધર્મ વિરુદ્ધ લડી રહ્યા છે. તેમનો હેતુ જ હિન્દુ સનાતનને સમાપ્ત કરવાનો છે. આ લડાઈ હવે મોદી વિરુદ્ધ ઇન્ડિયા ગઠબંધનની રહી નથી, પરંતુ વિચારધારાઓની લડાઈ થઈ ગઈ છે. હવે આ સુર-અસુર, સત્ય અને અસત્યની લડાઈ થઈ ગઈ છે. : સ્વામી ચક્રપાણી, અધ્યક્ષ, હિન્દુ મહાસભા

ઇન્ડિયા ગઠબંધને સનાતન ધર્મનું અપમાન કર્યુંઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે ઇન્ડિયા ગઠબંધન પર વોટબૅન્ક માટે તુષ્ટિકરણ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘ઇન્ડિયા ગઠબંધન આ દેશની સંસ્કૃતિ, આ દેશના ઇતિહાસ, સનાતન ધર્મનું અપમાન કરે છે. ડીએમકેના ચીફ એમ. કે. સ્ટૅલિનનો દીકરો કહે છે કે સનાતન ધર્મને સમાપ્ત કરી દેવો જોઈએ. આ લોકોએ વોટબૅન્ક અને તુષ્ટિકરણનું રાજકારણ કરવા માટે સનાતન ધર્મને સમાપ્ત કરવાની વાત કહી છે. આ લોકોએ આપણી સંસ્કૃતિ અને ઇતિહાસ તેમ જ સનાતન ધર્મનું અપમાન કર્યું છે. આ કંઈ પહેલી વખત નથી કર્યું.’

રાજસ્થાનમાં ડુંગરપુર ખાતે બીજેપીની પરિવર્તન યાત્રા શરૂ કરતાં તેમણે વધુમાં કહ્યું હતું કે ‘મનમોહન સિંહે કહ્યું હતું કે બજેટ પર પહેલો અધિકાર લઘુમતીઓનો છે. અમે કહીએ છીએ કે બજેટ પર સૌથી પહેલો અધિકાર ગરીબો, આદિવાસીઓનો, દલિતો અને પછાત વર્ગોનો છે. આ લોકોએ વોટબૅન્કના રાજકારણ માટે લઘુમતીઓને પહેલો અધિકાર પુરવાર કરી દીધો. આજે કૉન્ગ્રેસના અધ્યક્ષ કહે છે કે મોદીજી જીતશે તો સનાતનનું રાજ આવશે. સનાતનનું રાજ લોકોનાં દિલમાં છે. એને કોઈ નાબૂદ ન કરી શકે. પીએમ મોદીએ કહ્યું છે કે આ દેશ ભારતના બંધારણના આધારે ચાલશે.’

કૉન્ગ્રેસના સિનિયર લીડર રાહુલ ગાંધીની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે ‘રાહુલબાબાએ કહ્યું કે હિન્દુ સંગઠન  ​લશ્કર-એ-તય્યબા કરતાં પણ વધારે ખતરનાક છે. તેમના એક સમયના ગૃહપ્રધાન (સુશીલ કુમાર શિંદે) કહેતા હતા કે હિન્દુ ટેરર ચાલી રહ્યો છે. આ ઇન્ડિયા ગઠબંધન ઘમંડિયા ગઠબંધન છે. આ ગઠબંધન વોટબૅન્કના રાજકારણ માટે, તુષ્ટિકરણ માટે કોઈ પણ સ્તરે જઈ શકે છે. જોકે હું તેમને કહેવા માગું છું કે તમે જેટલું બોલશો એટલું તમારું કદ ઘટશે. હવે સનાતન ધર્મ વિરુદ્ધ સૂર વ્યક્ત કરી રહ્યા છો ત્યારે ૨૦૨૪માં દૂરબીન લઈને પણ શોધ્યા નહીં મળે.’ 

tamil nadu hinduism national news amit shah