30 April, 2023 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ન્યુઝ એજન્સી એ.એન.આઇ.નું ટ્વિટર અકાઉન્ટ બ્લૉક કરાયું
નવી દિલ્હી ઃ દેશની અગ્રણી ન્યુઝ એજન્સી એ.એન.આઇ.નું ટ્વિટર અકાઉન્ટ લૉક થઈ ગયું છે. એ.એન.આઇ.નાં એડિટર ઇન ચીફ સ્મીતા પ્રકાશે એક ટ્વીટ કરીને એની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બ્લૉક થયા બાદ તેમને ટ્વિટર તરફથી એક મેઇલ મળ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે એ.એન.આઇ.ના ટ્વિટર પર ૭૬ લાખથી વધારે ફૉલોઅર્સ છે, પરંતુ એ ટ્વિટરના ક્રાઇટેરિયામાં ફિટ નથી બેસતું. ટ્વિટરે જણાવ્યું હતું કે આ અકાઉન્ટ ૧૩ વર્ષ કરતાં ઓછા સમય જૂનું છે અને એણે ટ્વિટરના નિયમોનો ભંગ કર્યો છે.
સ્મીતા પ્રકાશે ટ્વીટ કર્યું હતું કે ‘એ.એન.આઇ.ને ફૉલો કરતા લોકો માટે એક બૅડ ન્યુઝ છે. ટ્વિટરે ભારતની સૌથી મોટી ન્યુઝ એજન્સીનું હૅન્ડલ બંધ કરી દીધું છે. અમારી ગોલ્ડ ટિક લઈ લેવામાં આવી હતી, એને બદલે બ્લુ ટિક લગાવવામાં આવી હતી અને હવે લૉક કરી દેવામાં આવ્યું છે.’