ત્રિપુરાએ કહ્યું, બંગલાદેશ વીજળીના અમારા ૧૩૫ કરોડ રૂપિયા તરત આપે

03 December, 2024 01:01 PM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

બંગલાદેશમાં ત્રિપુરાની બસ પર અટૅક- ત્રિપુરા સરકારે બંગલાદેશની વચગાળાની સરકારને વીજળીની લેણીના ૧૩૫ કરોડ રૂપિયા તાકીદે ચૂકવી દેવાની માગણી કરી

પ્રતીકાત્મક તસવીર

બંગલાદેશમાં ત્રિપુરાની એક બસ પર શનિવારે કટ્ટરવાદીઓએ કરેલા હુમલાના પગલે ત્રિપુરા સરકારે બંગલાદેશની વચગાળાની સરકારને વીજળીની લેણીના ૧૩૫ કરોડ રૂપિયા તાકીદે ચૂકવી દેવાની માગણી કરી છે.

બંગલાદેશની રાજધાની ઢાકાના માર્ગે દોડતી અગરતલા-કલકત્તા બસ શનિવારે જ્યારે બંગલાદેશના બ્રાહ્મણબારિયા જિલ્લામાંથી પસાર થઈ રહી હતી ત્યારે એના પર હુમલો કરવામાં આવ્યો હતો. બસમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓને એક કટ્ટરવાદી ગ્રુપે ધમકી આપી હતી અને ભારતવિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો.

આ મુદ્દે ત્રિપુરાના પ્રધાન રતન લાલ નાથે જણાવ્યું હતું કે ‘ત્રિપુરા એક વીજળી સરપ્લસ રાજ્ય હતું પણ બંગલાદેશે નાણાં ચૂકવ્યાં નહીં હોવાથી અમારે હવે બીજાં રાજ્યો પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદવી પડે છે. ડોમેસ્ટિક સપ્લાય માટે પણ અમારે બીજા પર આધાર રાખવો પડે છે. આથી અમારી લેણી રકમ તેમણે તાત્કાલિક ચૂકવી દેવી જોઈએ.’

bangladesh tripura dhaka news world news national news india