કલકત્તા રેપ-મર્ડર કેસ મુદ્દે નારાજ તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય રાજીનામું આપશે

09 September, 2024 10:30 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે પશ્ચિમ બંગાળમાં જોરદાર વિરોધ-પ્રદર્શનો થવાનાં છે ત્યારે જવાહર સરકારે ઓપન લેટર લખ્યો છે.

જવાહર સરકાર

તૃણમૂલ કૉન્ગ્રેસના રાજ્યસભાના સંસદસભ્ય જવાહર સરકારે ગઈ કાલે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીને ઓપન લેટર લખીને કલકત્તા રેપ-મર્ડર કેસમાં રાજ્ય સરકારની ભૂમિકાનો વિરોધ નોંધાવ્યો હતો અને એમાં સંસદસભ્યપદેથી રાજીનામું આપવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. ગઈ કાલે પશ્ચિમ બંગાળમાં જોરદાર વિરોધ-પ્રદર્શનો થવાનાં છે ત્યારે જવાહર સરકારે ઓપન લેટર લખ્યો છે.

જવાહર સરકારે પત્રમાં લખ્યું છે કે ‘આર. જી. કર હૉસ્પિટલમાં બનેલી ભયાનક ઘટનાથી હું ખૂબ નારાજ છું. એક મહિના સુધી મેં ધૈર્યપૂર્વક પીડા સહન કરી. મને આશા હતી કે મમતા બૅનરજી તેમની જૂની સ્ટાઇલમાં આંદોલનકારી જુનિયર ડૉક્ટરો સાથે વાતચીત કરશે. જોકે આવું થયું નથી. સરકાર હાલમાં જે દંડાત્મક કાર્યવાહી કરી રહી છે એ પર્યાપ્ત નથી અને ઘણાં મોડાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.’

દુનિયાભરમાં બંગાળી લોકોએ ગઈ કાલે વિરોધ નોંધાવ્યો હતો.

ભ્રષ્ટાચારના મુદ્દે તેમણે મમતા બૅનરજીને ઉદ્દેશીને લખ્યું હતું કે ‘૨૦૨૨માં મેં શિક્ષણપ્રધાન દ્વારા થતા ભ્રષ્ટાચારની વાત કરી હતી તો પક્ષના વરિષ્ઠ નેતાઓએ મારું અપમાન કર્યું હતું. એ સમયે મેં રાજીનામું નહોતું આપ્યું, કારણ કે મને આશા હતી કે આ મુદ્દે તમે લડત ઉપાડશો. હવે હું લોકોમાં તમારો સ્પષ્ટ વિરોધ જોઈ શકું છું.’

trinamool congress congress kolkata political news sexual crime mamata banerjee