17 November, 2024 12:58 PM IST | Jhansi | Gujarati Mid-day Correspondent
ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કૉલેજનું બળીને ખાખ થઈ ગયેલું નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ અને એમાંથી બચાવી લેવામાં આવેલાં બાળકો.
ઉત્તર પ્રદેશના ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કૉલેજનાં નવજાત શિશુઓના નીઓ નેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (NICU)માં શુક્રવારે રાતે ૧૦.૩૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી. વૉર્ડમાં કુલ ૫૪ શિશુઓને સારવાર આપવામાં આવી રહી હતી. આગ લાગતાં જ હાહાકાર મચી ગયો હતો. એ વૉર્ડ બે પાર્ટમાં છે. આગ લાગ્યાની જાણ થતાં જ બહારના વૉર્ડમાંથી ૪૪ શિશુઓને બચાવી લેવાયાં હતાં, જ્યારે અંદરના પાર્ટમાંનાં ૧૦ શિશુઓને બચાવી શકાયાં નહોતાં. જે ૪૪ શિશુઓને બચાવી લેવાયાં છે એમાંથી પણ ૧૬ શિશુઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આગ લાગ્યાની જાણ થતાં જ હાહાકાર મચી ગયો હતો. આગ લાગ્યા બાદ ત્યાં લગાડેલી ઝાળી તોડીને બાળકોને બહાર લાવવામાં આવ્યાં હતાં એમ બનાવ નજરે જોનારી વ્યક્તિએ કહ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘અમે બાળકને દૂધ પિવડાવવા અંદર જઈ રહ્યા હતા ત્યારે અંદરની તરફથી એક નર્સ બેબાકળી બની બૂમાબૂમ કરતી બહાર દોડી આવી હતી. તેના પગમાં આગ લાગી હતી. એ પછી અમે ૨૦ બાળકોને બહાર કાઢ્યાં હતાં અને નર્સને સોંપ્યાં હતાં. લોકો પોતાનાં બાળકોને ઉપાડીને દોડાતા ઇમર્જન્સી વિભાગમાં જઈ રહ્યા હતા અને બાળકોને બચાવી લેવાની વિનંતી કરતા જોવા મળ્યા હતા. રેસ્ક્યુ ઑપરેશન મધરાત બાદ એક વાગ્યા સુધી ચાલ્યું હતું.’
હૈયાફાટ આક્રંદ
આગની આ ઘટનાને કારણે હૉસ્પિટલમાં ગમીગીની છવાઈ ગઈ હતી. જે લોકોએ આગમાં તેમનાં બાળકો ગુમાવ્યાં હતાં તેમના હૈયાફાટ રુદનને કારણે વાતાવરણ ભારે થઈ ગયું હતું. કેટલાક લોકોએ પોતાના વહાલસોયાને બચાવવા માટે NICUની કાચની બારીઓ તોડીને અંદર ઝુકાવી દીધું હતું. પોતાના બાળકને ગુમાવનાર કુલદીપ નામના યુવાને કહ્યું હતું કે ‘મેં ચારથી પાંચ બાળકોને બચાવી બહાર લાવીને નર્સને સોંપ્યાં હતાં, પણ હું મારા જ બાળકને શોધી ન શક્યો. કોઈ કહેતું નથી કે હું મારા બાળકને ફરી જોઈ શકીશ કે નહીં. મારી પત્ની અને માતા બન્ને આઘાતમાં સરી પડ્યાં છે. એક ડૉક્ટરે તો મને ત્યાં સુધી કહી દીધું કે તે ભલે મરતું. શું મારા બાળકની જગ્યાએ તેનો દીકરો હોત તો તે એવું કહી શકત?’
ભત્રીજાને ગુમાવનારા અન્ય એક જણે કહ્યું હતું કે ‘તેઓ (હૉસ્પિટલ ઑથોરિટી) કહે છે કે અમારું બાળક મૃત્યુ પામ્યું છે, પણ એવું તેઓ કઈ રીતે કહી શકે? અમારું કહેવું છે કે એ માટે DNA ટેસ્ટ કરવામાં આવે.’
ત્રિસ્તરીય તપાસના આદેશ
ઝાંસીના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું હતું કે કે ‘ઑક્સિજન કૉન્સન્ટ્રેટરમાં આગ લાગી હતી, એવું કહેવાય છે કે એમાં શૉર્ટ-સર્કિટ થતાં આ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમના ડેપ્યુટી બ્રિજેશ પાઠકને ઘટનાસ્થળે મોકલાવ્યા હતા. બ્રિજેશ પાઠકે કહ્યું હતું કે આ ઘટનાની ત્રિસ્તરીય તપાસ કરવામાં આવશે અને દોષી સામે કાર્યવાહી થશે, ઝાંસીના ડિવિઝનલ કમિશનર અને ડિરેક્ટર જનરલ ઑૅફ પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા છે તથા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ઘટનાની તપાસ થશે અને એ સિવાય મૅજિસ્ટ્રેટ ઇન્ક્વાયરી પણ બેસાડવામાં આવશે.
આઉટડેટેડ ફાયર-એક્સ્ટિંગ્વિશર?
આગ લાગ્યા બાદ એવા પણ આક્ષેપ થયા હતા કે હૉસ્પિટલમાં ફાયર-ફાઇટિંગ માટે જે ફાયર-એક્સ્ટિંગ્વિશર રાખવામાં આવ્યાં હતાં એની એક્સપાયરીની મુદત વીતી ચૂકી હતી એટલે એ યોગ્ય રીતે કામ ન આપતાં (આગ ન ઓલવી શકતાં) આગ વધુ ભડકી હતી.
નર્સની ભૂલને કારણે આગ લાગી?
હૉસ્પિટલમાં આગ ચોક્કસ કયા કારણે લાગી એની તપાસ ચાલી રહી છે ત્યારે હમિરપુરના ભગવાન દાસે એવા દાવો કર્યો છે કે આગ જ્યારે લાગી ત્યારે તે વૉર્ડમાં હાજર હતો. તેણે એમ કહ્યું હતું કે ‘એ વખતે ઑક્સિજનનો પાઇપ ફિટ કરવામાં આવી રહ્યો હતો અને બરાબર એ જ સમયે એક નર્સે દિવાસળી સળગાવી હતી. ઑક્સિજન બહુ જ જ્વલનશીલ હોવાથી ભડકો થયો હતો અને આગ ફાટી નીકળી હતી.’
ભગવાન દાસે વધુમાં કહ્યું હતું કે ‘તેણે તરત જ ગળામાં રાખેલા ગમછામાં ત્રણ-ચાર બાળકોને લપેટ્યાં હતાં અને બહાર લઈ આવ્યો હતો. એ પછી અન્ય લોકોની મદદથી પણ કેટલાંક બાળકોને બચાવ્યાં હતાં. એ વખતે ત્યાં નાસભાગ મચી ગઈ હતી અને ફાયર અલાર્મ પણ વાગ્યું નહોતું.’
નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ દ્વારા આર્થિક મદદની જાહેરાત
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટનામાં મૃત્યુ પામેલાં બાળકોના પરિવારને પાંચ લાખ અને ઘાયલ બાળકોના પરિવારોને ૫૦,૦૦૦ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી હતી. એ સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના બદલ દુ:ખ વ્યક્ત કરી જીવ ગુમાવનારાં બાળકોના પરિવારને પ્રાઇમ મિનિસ્ટર્સ ફન્ડમાંથી બે લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી.