પાંચ કિલોમીટર સુધી સંભળાયો ધડાકાનો અવાજ

25 January, 2025 08:54 AM IST  |  Bhandara | Gujarati Mid-day Correspondent

પાંચ કિલોમીટર સુધી સંભળાયો ધડાકાનો અવાજ, ભંડારાની ડિફેન્સ ઑર્ડનન્સ ફૅક્ટરીમાં થયો પ્રચંડ બ્લાસ્ટ: ૮નાં મોત, ૭ ઘાયલ. ફૅક્ટરીના લૉન્ગ ટર્મ પ્લાનિંગ યુનિટમાં આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એનો અવાજ પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.

ભંડારાની ડિફેન્સ ઑર્ડનન્સ ફૅક્ટરીમાં થયો પ્રચંડ બ્લાસ્ટ: ૮નાં મોત, ૭ ઘાયલ

અસરગ્રસ્તોને મદદ કરવા પૂરતા પ્રયાસ થઈ રહ્યા છે : રાજનાથ સિંહ 
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે આ દુર્ઘટના બાબતે ખેદ વ્યક્ત કરતાં સોશ્યલ મીડિયા X પર પોસ્ટ કરી હતી કે ‘ભંડારાની ઑર્ડનન્સ ફૅક્ટરીમાં બ્લાસ્ટ થયાની જાણ થતાં બહુ જ દુઃખ થયું છે. હું એ દુર્ઘટનામાં સ્વજનોને ગુમાવનારાઓના પરિવારને સાંત્વના આપું છું. ઘાયલો વહેલી તકે સાજા થઈ જાય એ માટે હું પ્રાર્થના કરું છું. ઘટનાસ્થળે બચાવકાર્ય કરતી ટીમો તહેનાત કરાઈ છે. અસરગ્રસ્તોને સહાય કરવાના બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.’  

ભંડારાના જવાહરનગરમાં આવેલી ડિફેન્સની ઑર્ડનન્સ ફૅક્ટરીમાં ગઈ કાલે સવારે ૧૦.૩૦ વાગ્યે જબરદસ્ત બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક ઇન્ફર્મેશન મુજબ આ દુર્ઘટનામાં ૮ વ્યક્તિનાં મોત થયાં છે અને ૭ જણ ઘાયલ થયા છે. ઘટનાની ગંભીરતા જોતાં જીવ ગુમાવનારા લોકોનો આંકડો વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ફૅક્ટરીના લૉન્ગ ટર્મ પ્લાનિંગ યુનિટમાં આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એનો અવાજ પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટને કારણે યુનિટની ઇમારત તૂટી પડી અને એમાં આગ લાગી ગઈ હતી. ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સંજય કોલતેએ કહ્યું હતું કે ‘એ યુનિટમાં ત્યારે ૧૩થી ૧૪ વ્યક્તિ કામ કરી રહી હતી. બ્લાસ્ટને કારણે દૂર સુધી લોખંડના હેવી ટુકડાઓ ઊડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પહેલા સ્થાનિક ફાયરબ્રિગેડ અને ત્યાર બાદ સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF) દ્વારા બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. એ પછી નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.’ 
ભંડારાની આ ઑર્ડનન્સ ફૅક્ટરીમાં સૈન્ય માટે વિવિધ પ્રકારનાં વિસ્ફોટક પદાર્થો બનાવવામાં આવે છે જેમાં ઍસિડથી લઈને અન્ય જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ કરાય છે. એટલું જ નહીં, હથિયારોમાં ભરાતા અલગ-અલગ પ્રકારના દારૂગોળાનું અહીં નિર્માણ પણ થાય છે અને એની ચકાસણી કરવાની લૅબોરેટરી પણ અહીં બનાવવામાં આવી છે. આ ફૅક્ટરીમાં રૉયલ ડિમોલિશન એક્સપ્લોઝિવ (RDX) પણ બનાવવામાં આવે છે. 

દુર્ઘટનામાં ફસાયેલા લોકોને બચાવવા NDRFની ટીમ ઘટનાસ્થળે જઈ તેમનાં લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સથી શોધખોળ ચાલુ કરી કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનું ચાલુ કર્યું હતું. ૭ ઘાયલોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. કાટમાળ હટાવવા એક્સકૅવેટર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

rajnath singh national news fire incident india Bharat