કેન્દ્ર સરકાર પાછી અનાજ પર GST નાખવાની વેતરણમાં

27 July, 2024 06:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે સરકારના પ્રતિનિધિએ મીટિંગમાં ઘટતું કરવાનું આશ્વાસન તો આપ્યું, પણ વેપારીઓનું કહેવું છે કે જો સરકાર પીછેહઠ નહીં કરે તો માર્કેટ બેમુદત બંધ કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકાર તરફથી ૨૫ કિલોથી ઉપરના દરેક પ્રકારના અનાજ પર પાંચ ટકા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના પ્રસ્તાવનો અનાજ-કરિયાણાના વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. આ બાબતમાં અનાજ-કરિયાણાના વેપારીઓના ૧૨૫ વર્ષ જૂના સંગઠન ધ ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન (GROMA-ગ્રોમા) તરફથી વિરોધ વ્યક્ત કરતો પત્ર મિનિસ્ટ્રી ઑફ કન્ઝ્યુમર અફેર્સ-દિલ્હીને લખવામાં આવ્યો હતો. એને અનુલક્ષીને દિલ્હીની મિનિસ્ટ્રી ઑફ કન્ઝ્યુમર અફેર્સના ​ડિરેક્ટર આશુતોષ અગ્રવાલે ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે ગ્રોમાના પદાધિકારીઓ અને ભારતભરનાં અન્ય અસોસિએશનો સાથે વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કર્યું હતું. આ મીટિંગમાં વેપારીઓએ પાંચ ટકા GSTથી વ્યાપાર અને અનાજના ભાવ પર થનારી અસર બાબતે વિગતવાર ચર્ચા કરી હતી. મીટિંગના અંતમાં આશુતોષ અગ્રવાલે વેપારીઓને આ બાબતમાં ઘટતું કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું. જો સરકાર પાંચ ટકા GST નાખશે તો બેમુદત બજાર બંધ કરવાની વેપારીઓએ ધમકી આપી છે. આ પહેલાં ૨૦૨૨માં સરકારે વેપારીઓના વિરોધ વચ્ચે આ પ્રસ્તાવ પાછો ખેંચી લીધો હતો.

આ મીટિંગમાં ગ્રોમા સંસ્થાના પદાધિકારીઓ ભીમજી ભાનુશાલી, જયંત ગંગર, મનીષ દાવડા તથા લીગલ એક્સપર્ટ ધવલ ઠક્કર, ​જિગર ગાલા અને પ્રીતેશ નંદુ તેમ જ ભારતભરનાં ૧૧૨ અસોસિએશનોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પહેલાં ૨૦૨૨માં સરકારે પહેલાં અનાજ અને દાળના ૨૫ કિલોના પૅકિંગ પર પાંચ ટકા GST લાદ્યો હતો, પરંતુ ગ્રોમા અને દેશભરના વેપારીઓના વિરોધ પછી આ નિર્ણય પાછો ખેંચી લીધો હતો અને GSTમાંથી મુક્તિ આપી હતી. જોકે ફરીથી આ આઠમી જુલાઈએ સરકારે પાંચ ટકા GST લાદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેનો અનાજના વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. એની રજૂઆત અમે ગઈ કાલે આશુતોષ અગ્રવાલ સમક્ષ કરી હતી. તેમણે વર્ચ્યુઅલ સભામાં વેપારીઓને શાંતિથી સાંભળ્યા હતા તેમ જ આ બાબતે યોગ્ય કરવા ખાતરીપૂર્વક આશ્વાસન આપ્યું હતું. જો સરકાર ફરી એક વાર પાંચ ટકા GST લગાવશે તો અમારે નાછૂટકે માર્કેટ બેમુદત બંધ કરવું પડશે.`

national news india indian government goods and services tax business news