08 February, 2023 03:13 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: પીટીઆઈ
મંગળવારે લોકસભા (Lok Sabha)ની કાર્યવાહી દરમિયાન ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા (TMC MP Mahua Moitra)એ વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. ટીએમસી સાંસદના અપશબ્દોને લઈને ભારે હોબાળો થયો હતો. ભાજપના સાંસદોએ તેમની પાસેથી માફી માગવાની માગ કરી હતી, પરંતુ તેઓ હજુ પણ તેમના નિવેદન પર અડગ છે.
મહુઆ મોઇત્રાને પત્રકારોએ તેમની વાંધાજનક ટિપ્પણી અંગે સવાલ કર્યા હતા. જવાબમાં તેણીએ કહ્યું કે, “મને આશ્ચર્ય થાય છે કે ભાજપ અમને સંસદીય શિષ્ટાચાર શીખવે છે. એક સાંસદે મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. હું સફરજનને સફરજન કહીશ, નારંગી નહીં. જો તેઓ મને વિશેષાધિકાર સમિતિમાં લઈ જશે, તો હું મારું સ્ટેન્ડ લઇશ."
ટીએમસી સાંસદે વધુમાં કહ્યું કે “ભાજપ કહે છે કે હું એક મહિલા હોવાના કારણે આવો શબ્દ કેવી રીતે વાપરી શકું. એવું કહેવા માટે મારે પુરુષ બનવાની જરૂર છે?” તેમણે કહ્યું કે “અમે પહેલીવાર દેશના લોકોને બતાવ્યું કે આખરે અદાણીગેટ શું છે. ભાજપ છેલ્લાં 3 વર્ષથી તેને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. હું ખુશ છું કે તમામ વિપક્ષી દળો એકસાથે આવ્યા છે.”
બીજેપી સાંસદ હેમા માલિનીએ મહુઆ મોઇત્રા પર તેમની વાંધાજનક ટિપ્પણી માટે નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે “ગૃહમાં આવું ન થવું જોઈએ. અહીં આવનાર તમામ આદરણીય લોકોએ પોતાની જાતને નિયંત્રણમાં રાખવી જોઈએ. આટલા ભાવુક થવાની જરૂર નથી, અમુક લોકો બહુ ભડકતા હોય છે.”
અદાણી પર હુમલો
ઉલ્લેખનીય છે કે મહુઆ મોઇત્રાએ મંગળવારે અદાણી-હિંડનબર્ગ મુદ્દાને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે “અબજોપતિ ઉદ્યોગપતિ દેશને `ટોપી પહેરાવી’ છે. મોઇત્રાએ પોતાનું ભાષણ પૂરું કરતાની સાથે જ ભાજપના સાંસદો સાથે ઘર્ષણ શરૂ કર્યું. મોઇત્રાને કેટલાક વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરતા સાંભળવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: સંસદમાં પીએમ અને અદાણી મામલે રાહુલ વર્સસ સરકાર
પ્રિસાઇડિંગ ઓફિસરે સભ્યોને અપશબ્દોનો ઉપયોગ કરવાથી દૂર રહેવા જણાવ્યું હતું. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ નૈતિક ધોરણે મોઇત્રા પાસેથી માફી માગવાની માગ કરી હતી અને કહ્યું હતું કે “જો તેણી આમ નહીં કરે તો તે તેમની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરશે.”