21 September, 2024 04:50 PM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં મળતા લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી અને માછલીનું તેલ ભેળવવામાં આવતું હોવાનું એક લેબ રિપોર્ટમાં (Tirupati Laddu Dispute) સામે આવતા દેશભરના લોકોમાં આક્રોશ ફેલાયો છે. પ્રસાદ આ પ્રકારની મિલાવટ કરવામાં આવતા આ અંગે હવે રાજકારણ પણ શરૂ થયું છે તેમ જ જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની માગણી પણ કરવામાં આવી રહી છે. જોકે આ મામલે હવે કર્ણાટક સરકાર દ્વારા એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે.
લાડુનો પ્રસાદ બનાવવા માટે વપરાતા ઘીમાં પ્રાણીઓની ચરબી મળવાથી દરેક વ્યક્તિ ચિંતિત છે. આવા કૃત્યને હિન્દુઓની આસ્થા પર મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે. આ ઘટનાના વિવાદને લઈને હવે કર્ણાટક રાજ્ય પણ ઍક્શનમાં આવ્યું છે. કર્ણાટકની સિદ્ધારમૈયા (Tirupati Laddu Dispute) સરકારે એક નિર્દેશ જાહેર કરીને રાજ્યની મંદિર વ્યવસ્થાપન સંસ્થા હેઠળના તમામ 34,000 મંદિરોમાં નંદિની બ્રાન્ડ ઘીનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે. કર્ણાટક સરકારના આ નવા નિર્દેશ અનુસાર, તેમના અધિકારક્ષેત્ર હેઠળના તમામ મંદિરો અને તેની ધાર્મિક વિધિઓ જેમ કે દીવા પ્રગટાવવા, પ્રસાદ તૈયાર કરવા અને `દસોહા ભવનમાં` જ્યાં ભક્તોને ભોજન પીરસવામાં આવે છે આ દરેક જગ્યાએ માત્ર નંદિની ઘીનો ઉપયોગ કરવો પડશે એવું કહેવામાં આવ્યું છે.
કર્ણાટક સરકારે મંદિરના કર્મચારીઓને એ બાબત સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે કે `પ્રસાદ`ની ગુણવત્તા સાથે ક્યારેય બાંધછોડ ન થાય. કર્ણાટક રાજ્યના ધાર્મિક એન્ડોમેન્ટ્સ વિભાગ હેઠળના તમામ સૂચિત મંદિરોમાં, સેવા, દીવા અને તમામ પ્રકારના પ્રસાદની તૈયારીમાં અને દસોહા ભવનમાં માત્ર નંદિની ઘીનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તિરુપતિના પ્રસિદ્ધ વેંકટેશ્વર સ્વામી મંદિરમાં (Tirupati Laddu Dispute) લાડુ બનાવવા માટે પ્રાણીની ચરબીના કથિત ઉપયોગ અંગેના મોટા વિવાદ બાદ આ નિર્દેશ આવ્યો છે. આ મંદિરમાં પ્રસાદનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા કરવામાં આવે છે.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ (Tirupati Laddu Dispute) મંદિરમાં વપરાતા ઘીની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી અને દાવો કર્યો કે નમૂનાઓમાં માછલીનું તેલ અને અન્ય પ્રાણીની ચરબી મળી હોવાનો ખુલાસો થયો હતો. તમને જણાવી દઈએ કે તિરુપતિ મંદિરના રસોડામાં દરરોજ લગભગ ત્રણ લાખ જેટલા પ્રસાદ લાડુ બનાવવામાં આવે છે. આ પ્રસાદને બનાવવા માટે મોટી માત્રામાં ઘટકોની જરૂર પડે છે, જેમાં કાજુ, કિસમિસ, એલચી, ચણાનો લોટ અને ખાંડ જેવી અન્ય આવશ્યક ચીજો સાથે 1,400 કિલો ઘીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમ જ આ ઘટનાને લઈને અનેક હિન્દુ સંગઠન દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે તેમ જ તિરુપતિ મંદિરમાંથી મોટા પ્રમાણમાં લાડુને અયોધ્યાના રામ મંદિર પણ મોકલવામાં આવ્યા હતા જેને લઈને હવે તપાસ કરવામાં આવી રહી છે.