મજબૂરીને માસ્ટર-સ્ટ્રોક બનાવવાની કોશિશ

16 September, 2024 07:27 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

અરવિંદ કેજરીવાલે રાજકીય માસ્ટરસ્ટ્રોક માર્યો કે પછી રાજકીય જોખમ લીધું એ આગામી સમય નક્કી કરશે: મહારાષ્ટ્રની સાથે નવેમ્બરમાં દિલ્હીમાં પણ ચૂંટણી યોજવાની માગણી

અરવિંદ કેજરીવાલ

AAPના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ રાજીનામાની જાહેરાત કરીને નવો રાજકીય દાવ રમ્યા.

સુપ્રીમ કોર્ટે ફાઇલ પર સહી ન કરવાની તેમ જ સચિવાલય પણ ન જવાની શરતે બેઇલ આપી હોવાથી શોભાના પૂતળાની જેમ બેસી રહીને નામ ખરાબ કરવાને બદલે પોતાના વિશ્વાસુને સીએમ બનાવવાનો દાવ રમવાની સાથે દિલ્હીના લોકોને ઇમોશનલ અપીલ કરી કે જો તમે કેજરીવાલને ઈમાનદાર માનતા હો તો જ વોટ આપજો, જ્યાં સુધી જનતા તેનો ફેંસલો નહીં સંભળાવે ત્યાં સુધી હું સીએમની ખુરશી પર નહીં બેસું

રવિવારે એક આઘાતજનક રાજકીય ઘટનાક્રમમાં આમ આદમી પાર્ટી

AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે આગામી બે દિવસમાં દિલ્હીના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે પાર્ટીના ૬૦ વિધાનસભ્યોની બેઠકમાં દિલ્હીના નવા મુખ્ય પ્રધાનની પસંદગી કરવામાં આવશે. આ નિર્ણય દ્વારા કેજરીવાલે રાજકીય માસ્ટરસ્ટ્રોક માર્યો છે કે મોટું રાજકીય જોખમ લીધું છે એ તો આગામી સમય નક્કી કરશે. મહારાષ્ટ્રમાં નવેમ્બરમાં થનારી વિધાનસભાની ચૂંટણી સાથે દિલ્હીમાં પણ ચૂંટણી યોજવાની તેમણે માગણી કરી છે. જોકે રાજકીય જાણકારો જણાવી રહ્યા છે કે વહેલી ચૂંટણીનો નિર્ણય બેધારી તલવાર જેવો સાબિત થઈ શકે છે. કેજરીવાલે કહ્યું હતું કે કાયદાની કોર્ટમાંથી મને ન્યાય મળ્યો છે અને હવે લોકોની કોર્ટમાં ચુકાદો આવ્યા બાદ હું ફરી મુખ્ય પ્રધાનની સીટ પર બેસીશ.

શું કહ્યું કેજરીવાલે?

દિલ્હી શરાબ કૌભાંડમાં ૬ મહિનાના જેલવાસ બાદ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યાના બે દિવસ પછી ગઈ કાલે અરવિંદ કેજરીવાલે પાર્ટીના નેતાઓ સાથેની બેઠકમાં જાહેરાત કરી હતી કે ‘મને કાયદાની કોર્ટમાં ન્યાય મળ્યો છે, પણ હવે હું લોકોની કોર્ટમાં ન્યાય માગું છું. બે દિવસ બાદ હું મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દઈશ. જ્યાં સુધી લોકો તેમનો ચુકાદો નહીં આપે ત્યાં સુધી એ ખુરશીમાં હું નહીં બેસું. થોડા મહિનાઓ બાદ આમ પણ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. હું દિલ્હીના લોકોને પૂછવા માગું છું કે અરવિંદ કેજરીવાલ નિર્દોષ છે કે દોષી? જો મેં કામ કર્યું હોય તો મને મત આપજો. હું દરેક ઘર અને મહોલ્લામાં જઈશ અને લોકોને મળીને તેમનો સપોર્ટ માગીશ. જ્યાં સુધી તેમનો ચુકાદો ન મળે ત્યાં સુધી હું મુખ્ય પ્રધાનની ખુરશીમાં નહીં બેસું.’

મોદી સરકાર પર પ્રહાર

કેન્દ્રની મોદી સરકારને બ્રિટિશરો કરતાં પણ વધારે આપખુદ સરકાર ગણાવીને એના પર પ્રહાર કરતાં કેજરીવાલે બિન-BJP શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનોને અપીલ કરતાં કહ્યું હતું કે ‘તમારી પર કોઈ પણ કેસ નોંધવામાં આવે તો તમે રાજીનામું આપશો નહીં. મોદી સરકારે બિન-BJP શાસિત રાજ્યોમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા, કેરલાના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન અને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી સામે કેસ ઠોકી દીધા છે. જો તેમની ધરપકડ થાય તો હું તમને વિનંતી કરું છું કે તમે રાજીનામું આપશો નહીં, જેલમાં બેસીને સરકાર ચલાવજો. મેં રાજીનામું એટલા માટે નહોતું આપ્યું, કારણ કે હું લોકશાહીનો આદર કરું છું અને મારા માટે બંધારણ સર્વોચ્ચ છે.’

હવે શું થશે?

આગામી બે દિવસમાં દિલ્હીના AAPના ૬૦ વિધાનસભ્યોની બેઠક યોજાશે અને એમાં નવા મુખ્ય પ્રધાનની વરણી કરવામાં આવશે. ત્યાર બાદ કેજરીવાલ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દેશે.

વહેલી ચૂંટણીની માગણી

કેજરીવાલે દિલ્હીમાં વહેલી ચૂંટણીની માગણી કરી હતી. આ મુદ્દે તેમણે જણાવ્યું હતું કે ‘દિલ્હીમાં આવતા ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાવાની છે. હું માગણી કરું છું કે નવેમ્બરમાં મહારાષ્ટ્રમાં યોજાનારી ચૂંટણી સાથે દિલ્હીમાં પણ ચૂંટણી યોજવામાં આવે. જ્યાં સુધી ચૂંટણી યોજાય નહીં ત્યાં સુધી પાર્ટીમાંથી અન્ય કોઈ વ્યક્તિ મુખ્ય પ્રધાનપદે રહેશે. પાર્ટીના વિધાનસભ્યોની બેઠકમાં નવા મુખ્ય પ્રધાનની વરણી કરાશે.’

ચૂંટણીની તૈયારી કરવા માટે હવે AAP દિલ્હીમાં વ્યાપક જનસંપર્ક અભિયાન હાથ ધરશે. આ અભિયાનમાં દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ભૂમિકા મહત્ત્વની રહેશે.

જાહેરાતનો લાભ મળશે?

અરવિંદ કેજરીવાલની આ આઘાતજનક જાહેરાત તેમને ચૂંટણીમાં રાજકીય લાભ અપાવી શકે એમ છે, કારણ કે તેમણે નૈતિકતાના આધારે એક સ્ટૅન્ડ લીધું છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે તેમને સત્તાની લાલસા નથી અને ટોચના પદ પર ફરી આવતાં પહેલાં લોકોનો ચુકાદો ઇચ્છી રહ્યા છે.

કયાં જોખમો રહેલાં છે?

કેજરીવાલની આ જાહેરાતનાં વિપરીત પરિણામ પણ આવી શકે છે. તેમણે જણાવ્યું છે કે મનીષ સિસોદિયા પણ લોકોના ચુકાદાના પક્ષમાં છે. AAPના બે મુખ્ય નેતા હાલમાં મુખ્ય પ્રધાનપદની રેસમાં નથી. આથી તેમણે ચૂંટણી સુધી પાર્ટીમાંથી અન્ય કોઈ નેતાની આ પદ માટે પસંદગી કરવી પડશે. માત્ર થોડા મહિના માટે કોઈને મુખ્ય પ્રધાન બનાવવાથી સત્તાસંઘર્ષ થતો હોય છે. બિહારમાં નીતીશ કુમારે થોડા સમય માટે જીતનરામ માંઝી માટે ખુરશી ખાલી કરી હતી, ઝારખંડમાં પણ હેમંત સોરેને ચંપઈ સોરેનને ખુરશીમાં બેસાડ્યા હતા, પણ ફરી સત્તામાં તેમણે વાપસી કરી ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

બેધારી તલવાર જેવો નિર્ણય

જલદી ચૂંટણીનો નિર્ણય બેધારી તલવાર જેવો છે. છેલ્લા ઘણા મહિનાથી AAPના નેતાઓ સામે ઘણા કાનૂની કેસ ચાલી રહ્યા છે અને તેઓ એમાં સપડાયેલા છે. આથી વિપક્ષના નેતાઓ તેમના પર દિલ્હીની નાગરી સમસ્યાઓ જેવી કે પાણી ભરાઈ જવું, પૂર આવવું વગેરે પર લક્ષ્ય સાધી શકે છે. વળી નવેમ્બરમાં ચૂંટણી યોજાય તો તૈયારી માટે પણ પાર્ટીને સમય ઓછો મળશે.

BJPનો સવાલ, તાત્કાલિક રાજીનામું શા માટે નહીં?
અરવિંદ કેજરીવાલે ૪૮ કલાકમાં રાજીનામું આપવાની જાહેરાત કરી છે એ મુદ્દે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા હરીશ ખુરાનાએ સવાલ કર્યો છે કે ‘તેઓ તાત્કાલિક રાજીનામું શા માટે આપતા નથી? તેઓ આ મુદ્દે પણ નાટક કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ તેમણે આવાં નાટક કર્યાં છે. દિલ્હીના લોકો પૂછી રહ્યા છે કે તેઓ સેક્રેટરિયેટ જઈ શકે એમ નથી, દસ્તાવેજો પર સહી કરી શકે એમ નથી તો પછી મુખ્ય પ્રધાનપદે રહેવાનો શું તર્ક છે? જો ચૂંટણી યોજાશે તો અમે પચીસ વર્ષ બાદ ફરી દિલ્હીમાં ચૂંટાઈ આવીશું.’

લોકોએ ત્રણ મહિના પહેલાં જવાબ આપી દીધો ઃ દિલ્હી BJPના પ્રમુખ
દિલ્હી BJPના પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે ‘અરવિંદ કેજરીવાલ કહી રહ્યા છે કે લોકો નક્કી કરે કે તેઓ મુખ્ય પ્રધાનપદે રહે કે નહીં. લોકસભાની ચૂંટણીમાં દિલ્હીના લોકોએ આ ચુકાદો ત્રણ મહિના પહેલાં આપી દીધો હતો. તમે દિલ્હીના રસ્તાઓ પર ફરીને મત માગ્યા હતા. લોકોએ તેમને તેમના મત દ્વારા જવાબ આપી દીધો હતો.’

કેજરીવાલની જાહેરાતને કૉન્ગ્રેસનો આવકાર
કૉન્ગ્રેસે અરવિંદ કેજરીવાલની જાહેરાતને આવકારી હતી અને દિલ્હી કૉન્ગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર યાદવે કહ્યું હતું કે ‘હજી મોડું થયું નથી. દિલ્હીમાં પૂર આવ્યાં અને પાણીની અછત થઈ એ સમયે તમે રાજીનામું આપી દીધું હોત તો સારું થાત. આશા રાખીએ કે દિલ્હીને એવો મુખ્ય પ્રધાન મળશે જે ઑફિસમાં જઈ શકશે અને ફાઇલ પર સહી કરી શકશે.’

કૌન બનેગા મુખ્યમંત્રી?

આતિશી સિંહ:  હાલમાં આતિશી સિંહ પાસે પાંચ વિભાગ છે જેમાં મહિલા અને બાળકલ્યાણ, શિક્ષણ, ટૂરિઝમ, કલા, સંસ્કૃતિ અને ભાષા, જાહેર બાંધકામ વિભાગ અને ઊર્જાનો સમાવેશ છે.
સૌરભ ભારદ્વાજ:તેમની પાસે હાલમાં સાત વિભાગ છે જેમાં વિજિલન્સ, સર્વિસિસ, આરોગ્ય, ઇન્ડસ્ટ્રીઝ, શહેરી વિકાસ, સિંચાઈ અને પૂર નિયંત્રણ તથા પાણી વિભાગનો સમાવેશ છે.
કૈલાશ ગેહલોટ:  અરવિંદ કેજરીવાલની કૅબિનેટના ટ્રાન્સપોર્ટ પ્રધાન પાસે એના સિવાયના લૉ, જસ્ટિસ અને લેજિસ્લેટિવ અફેર્સ, ઍડ‍્મિનિસ્ટ્રેટિવ રિફૉર્મ્સ, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, રેવન્યુ, ફાઇનૅન્સ, પ્લાનિંગ અને અન્ય કોઈ મિનિસ્ટરને સોંપાયાં ન હોય એવાં તમામ ખાતાંનો સમાવેશ છે.

ગોપાલ રાય : તેઓ ડેવલપમેન્ટ, જનરલ ઍડ‍્મિનિસ્ટ્રેશન, પર્યાવરણ અને જંગલ તથા વાઇલ્ડલાઇફ ખાતાના પ્રધાન છે.

સુનીતા કેજરીવાલ પણ રેસમાં

આ નામોની સાથે BJPએ દાવો કર્યો છે કે કેજરીવાલ AAPના વિધાનસભ્યોને તેમની પત્ની સુનીતા કેજરીવાલને આગામી મુખ્ય પ્રધાન તરીકે નૉમિનેટ કરવા માટે રાજી કરી રહ્યા છે. કેજરીવાલની મોટી જાહેરાતના મુદ્દે બોલતાં BJPના નેતા મન્જિન્દર સિંહ સિરસાએ કહ્યું હતું કે કેજરીવાલે બે દિવસનો સમય માગ્યો છે, કારણ કે તેઓ તમામ વિધાનસભ્યોને તેમની પત્નીને મુખ્ય પ્રધાન બનાવવા માટે સમજાવી શકે.

national news india delhi news new delhi arvind kejriwal aam aadmi party political news