17 September, 2023 10:40 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ગઈ કાલે ઠાર મરાયેલા આતંકવાદીઓ પાસેથી રિકવર કરવામાં આવેલાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી રજૂ કરી રહેલા બ્રિગેડિયર પી.એમ.એસ. ઢિલ્લન અને આર્મીના અન્ય અધિકારીઓ
સિક્યૉરિટી ફોર્સિસે ગઈ કાલે સવારે જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ત્રણ આતંકવાદીઓનો ખાતમો બોલાવીને અંકુશ રેખા પાસે ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી હતી. ઉરીમાં અંકુશ રેખાની પાસે આ આતંકવાદ વિરોધી ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
ચિનાર કૉર્પ્સે જણાવ્યું હતું કે ‘ઠાર મરાયેલા બે આતંકવાદીના મૃતદેહ મળ્યા છે. ત્રીજો આતંકવાદી ઠાર મરાયો છે, પરંતુ નજીકની પાકિસ્તાની પોસ્ટ દ્વારા ફાયરિંગ કરવામાં આવતાં તેનો મૃતદેહ મેળવી શકાયો નથી.’ પાકિસ્તાનની આર્મી આતંકવાદીઓને મદદ કરી રહી હતી. તેઓ આતંકવાદીઓને કવર ફાયરિંગ આપી રહ્યા હતા. આ ઑપરેશનથી આતંકવાદીઓ સાથેની મિલીભગતની પાકિસ્તાનની પોલ ખૂલી ગઈ છે.
કાશ્મીર પોલીસ ઝોને એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરના હાથલંગાના ફૉર્વર્ડ એરિયામાં આતંકવાદીઓ અને આર્મી-બારામુલ્લા પોલીસની વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે.’ બાદમાં પોલીસે કન્ફર્મ કર્યું હતું કે આ ઑપરેશનમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે.
એન્કાઉન્ટર સ્થળેથી એક એકે-૪૭, સાત મેગેઝિન્સ, ચાઇનીઝ પિસ્તોલ, ગ્રેનેડ, પાકિસ્તાની કરન્સી અને પાંચ કિલો આઇઈડી પણ મળ્યું છે.
ઉરીમાં પ્રેસ કૉન્ફરન્સને સંબોધતાં બ્રિગેડિયર પી.એમ.એસ. ઢિલ્લોને જણાવ્યું હતું કે પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠનો દ્વારા ઘૂસણખોરીની કોશિશો વિશે ચોક્કસ ઇન્પુટ્સ મળ્યા બાદ ગઈ કાલે વહેલી સવારે ઉરી સેક્ટરમાં અંકુશ રેખા પાસે ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ જ વિસ્તારમાં ડિસેમ્બર ૨૦૨૨માં સુરક્ષા દળોએ એક મોટા આતંકવાદી અડ્ડાનો પર્દાફાશ કર્યો હતો. એ સમયે ગુફામાંથી હથિયારો મળ્યા હતા.
નોંધપાત્ર છે કે શુક્રવારે બે આતંકવાદીની ધરપકડની સાથે બારામુલ્લાથી જ લશ્કર-એ-તય્યબાના એક ટેરર મૉડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.