વિહાર કરી રહેલા જૈન સાધુ-ભગવંતોનો વધુ એક અકસ્માત

10 June, 2024 08:04 AM IST  |  Andhra Pradesh | Prakash Bambhroliya

આંધ્ર પ્રદેશના હાઇવે પર ટ્રકે વિહાર કરી રહેલા જૈન સાધુઓને અડફેટે લીધા: એક સાધુ અને દીક્ષાર્થી સહિત ત્રણનાં મૃત્યુ

મૃતક

આંધ્ર પ્રદેશના કર્નૂલ-હૈદરાબાદ નૅશનલ હાઇવે પર ગઈ કાલે વહેલી સવારે એક ટ્રકે વિહાર કરી રહેલા ગચ્છાધિપતિ શ્રી વિજય વિજ્ઞાનપ્રભસૂરીશ્વરજી મહારાજસાહેબ અને તેમની સાથેના સાધુ-ભગવંતોને ઉડાવતાં એક સાધુ, એક દીક્ષાર્થી અને વ્હીલચૅર ચલાવી રહેલી પાલિતાણાની વ્યક્તિ સહિત ત્રણ જણનાં કરુણ મૃત્યુ થયાં હતાં. આ અકસ્માતમાં ગચ્છાધિપતિ અને મુનિ શ્રી પ્રિયકરવિજયજી મહારાજસાહેબને પણ ગંભીર ઈજા થવાથી તેમને હૈદરાબાદની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોએ તેમને ૨૪ કલાક ઑબ્ઝર્વેશનમાં રાખવાનું કહ્યું છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રકની ટક્કર લાગ્યા બાદ બધા હવામાં ફંગોળાઈને દૂર પડ્યા હતા. અકસ્માત પછી ટ્રક ઊંધી વળતાં ડોમ્બિવલીના ૪૯ વર્ષના દીક્ષાર્થી હેમલ શાહ એની નીચે દબાઈ જતાં ક્રેનની મદદથી તેમના મૃતદેહને બહાર કાઢવો પડ્યો હતો.

કર્ણાટકના કડુરમાં બિરાજમાન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયના આચાર્ય વિમલસાગર મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય વિજ્ઞાનપ્રભસૂરીશ્વરજી મહારાજસાહેબનું ચોમાસુ બૅન્ગલોરમાં હોવાથી તેમણે સવારના ૪.૪૫ વાગ્યે કર્નૂલ-હૈદરાબાદ હાઇવે પર આવેલા કર્નૂલથી રામાંતપુરમ જવા માટે સાધુગણ સાથે વિહાર કર્યો હતો. સોમવારે તેમનો રામાંતપુરમમાં ત્રણ દિવસનો કાર્યક્રમ હતો. જોકે તેઓ અહીંથી એક કિલોમીટર દૂર હતા ત્યારે એક ટ્રકે ટક્કર મારી હતી. એમાં પં. શ્રી પુનિતપ્રભવિજયજી મહારાજ, દીક્ષાર્થી હિરેન અને મહારાજસાહેબની વ્હીલચૅર ચલાવી રહેલી પાલિતાણાની એક વ્યક્તિનાં અવસાન થયાં હતાં, જ્યારે ગચ્છાધિપતિ અને મુનિશ્રી પ્રિયંકરવિજયજી મહારાજસાહેબને ગંભીર ઈજા થઈ હતી. તેમને પહેલાં કર્નૂલની એક હૉસ્પિટલમાં ઍડ્‍મિટ  કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાતાં બાદમાં હૈદરાબાદની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્‍મિટ  કરવામાં આવ્યા છે.’

દીક્ષાર્થીનો મૃતદેહ ટ્રક નીચેથી મળ્યો

ટ્રકે મહારાજસાહેબોને ટક્કર મારવાની ઘટનાની જાણ થતાં કર્નૂલ જૈન સંઘના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓ ઘાયલ થયેલા મહારાજસાહેબને હૉસ્પિટલમાં લઈ ગયા હતા અને કાળધર્મ પામેલા મહારાજના મૃતદેહને ઍમ્બ્યુલન્સમાં મૂક્યો હતો. જોકે મહારાજસાહેબની સાથે દીક્ષાર્થી હેમલ શાહ પણ હતો તે ક્યાંય દેખાયો નહોતો. આ વિશે કર્નૂલ જૈન સંઘના કાર્યકર ભરત જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિહાર કરી રહેલા જૈન મહારાજસાહેબને ટક્કર માર્યા બાદ ટ્રક-ડ્રાઇવરે જોરદાર બ્રેક મારતાં એ રસ્તાની બાજુમાં ઊંધી વળી ગઈ હતી. હેમલની તપાસ કરતાં તે ટ્રકની નીચે દબાયેલો જોવા મળ્યો હતો. બાદમાં ક્રેનની મદદથી ટ્રકને સીધી કરી ત્યારે તેનો મૃતદેહ દેખાયો હતો.’

આજે હૈદરાબાદમાં અંતિમ સંસ્કાર

અકસ્માતમાં જીવ ગુમાવનારા પં. શ્રી પુનિતપ્રભવિજયજી મહારાજ અને હેમલ શાહના મૃતદેહ હૈદરાબાદ લઈ જવાયા છે, જ્યાં આજે સવારે ૧૧ વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે; જ્યારે મહારાજસાહેબની વ્હીલચૅર ચલાવનારી વ્યક્તિના મૃતદેહને પાલિતાણા મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ગચ્છાધિપતિઓનો જૈન સંઘોને પત્ર
વિહાર કરતી વખતે જૈન ધર્મના સાધુ-ભગવંતો કાળધર્મ પામી રહ્યા છે એથી આ બાબતને ગંભીરતાથી લઈને આવી ઘટનાઓ ન બને એ માટેની વ્યવસ્થા કરવા માટેના પત્રો જૈનોના વિવિધ સંપ્રદાયના ગચ્છાધિપતિઓએ ગઈ કાલે વિવિધ સંઘોને લખ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

national news road accident jain community gujarati community news hyderabad