25 November, 2024 01:19 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
વાયરલ તસવીર
ઉત્તર પ્રદેશના બરેલીમાં ફરીદપુર-બદાયૂંને જોડતા માર્ગ પર અડધા બનેલા પુલ પર આવી ગયેલી કાર શનિવારે રાત્રે રામગંગા નદીમાં ખાબકતાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં. નજીકના ખલ્લુપુર ગામના લોકોને સવારે નદીમાં કાર પડેલી જોવા મળી હતી અને એમાં ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. કારનો ડ્રાઇવર ગૂગલ મૅપ્સના આધારે કાર ચલાવી રહ્યો હશે અને આ વિસ્તારમાં રાત્રે ધુમ્મસ હોવાથી તેને કંઈ દેખાયું નહીં હોય. કાર પણ સ્પીડમાં હોવાથી એ પચીસ ફુટ નીચે નદીમાં પડી હશે એવો અંદાજ છે.
આ નિર્માણાધીન પુલ પર કામકાજ બંધ છે અને કોઈ બૅરિકેડ લગાડવામાં આવ્યું ન હોવાથી આ અકસ્માત થયો છે.
આ મુદ્દે પોલીસે જણાવ્યું હતું કે ત્રણેય મરનાર સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા અને લગ્ન સમારોહમાં ભાગ લીધા બાદ તેઓ શૉર્ટકટ દ્વારા બરેલીથી ગાઝિયાબાદ તરફ જઈ રહ્યા હતા.
૨૦૨૨માં આ નિર્માણાધીન પુલનો એક હિસ્સો પૂરના પાણીમાં તણાઈ ગયો હતો અને ત્યારથી આ પુલ બંધ છે.