19 April, 2023 11:37 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
અતીક અહમદ ફાઇલ તસવીર
પ્રયાગરાજમાં કટરા ગોબર ગલીમાં ત્રણ દેશી બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા, જેને લઈને વિરોધાભાસી નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. આ ગલીમાં માફિયા અતીક અહમદના વકીલ દયાશંકર મિશ્ર રહે છે. તેઓ કહે છે કે તેમને ડરાવવા માટે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસનું કંઈ અલગ જ કહેવું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બે અન્ય જૂથો વચ્ચેની લડાઈમાં આ બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટની સાથે અતીકને કોઈ સંબંધ નથી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ગલીમાં રહેતા હર્ષિત સોનકરનો રોનક, આકાશ સિંહ તેમ જ બીજી કેટલીક વ્યક્તિઓની સાથે રૂપિયાને લઈને ઝઘડો થયો હતો, જેને લઈને હર્ષિત બદલો લેવા માટે હાથમાં બૉમ્બ લઈને આકાશ સિંહના ઘરે પહોંચી ગયો હતો.
દરમ્યાનમાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચે ઉત્તર પ્રદેશ પોલીસને અતિક અને તેના ભાઈ અશરફની હત્યાને લઈને એક નોટિસ મોકલી છે. ચાર અઠવાડિયામાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. દેશમાં અનેક વિરોધ પક્ષોએ આ હત્યાને લઈને ઉત્તર પ્રદેશ સરકારની સામે સવાલો કર્યા છે.