30 July, 2023 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ભારત મંડપમમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમના ઉદ્ઘાટન દરમિયાન વડા પ્રધાન મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જણાવ્યું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ દેશની દરેક ભાષાને યોગ્ય સન્માન અને શ્રેય આપશે. જે લોકો પોતાના સ્વાર્થ માટે ભાષાનું રાજકારણ રમવાનો પ્રયાસ કરે છે તેમણે તેમની દુકાનો બંધ કરવી પડશે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કર્યાને ત્રણ વર્ષ પૂરાં થતાં ‘અખિલ ભારતીય શિક્ષા સમાગમ’માં ઉદ્ઘાટન સંબોધન આપતાં મોદીએ કહ્યું કે વિદ્યાર્થીઓ સાથે સૌથી મોટો અન્યાય તેમની ક્ષમતાઓને બદલે તેમનું ભાષાના આધારે મૂલ્યાંકન છે.
તેમણે કહ્યું કે માતૃભાષામાં શિક્ષણ ભારતમાં વિદ્યાર્થીઓ માટે ન્યાયના નવા સ્વરૂપની શરૂઆત કરી રહ્યું છે. આ સામાજિક ન્યાય તરફ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પગલું છે. વિશ્વમાં ઘણીબધી ભાષાઓ અને એમના મહત્ત્વની નોંધ લેતાં વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઘણા વિકસિત દેશો એમની સ્થાનિક ભાષાઓને કારણે આગળ આવ્યા છે. યુરોપનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે મોટા ભાગના દેશો તેમની પોતાની માતૃભાષાનો ઉપયોગ કરે છે. પીએમ મોદીએ ખેદ વ્યક્ત કર્યો હતો કે ભારતમાં પ્રસ્થાપિત અનેકવિધ ભાષાઓ હોવા છતાં તેમને પછાતપણાના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવે છે અને જેઓ અંગ્રેજી બોલી શકતા નથી તેમની ઉપેક્ષા કરવામાં આવે છે અને તેમની પ્રતિભાને ઓળખવામાં આવતી નથી. આવી સ્થિતિના કારણે ગ્રામીણ વિસ્તારોમાં બાળકો શિક્ષણને લઈ સૌથી વધુ પ્રભાવિત થાય છે.