09 January, 2025 01:00 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સંબિત પાત્રા
દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાય એ માટે વન નેશન વન ઇલેક્શનના મુદ્દે ગઠિત કરવામાં આવેલી જૉઇન્ટ પાર્લમેન્ટરી કમિટી (JPC)ની બેઠક ગઈ કાલે મળી હતી, જેમાં BJPના સંસદસભ્ય સંબિત પાત્રા ૧૮,૦૦૦ પાનાંના દસ્તાવેજ એક ટ્રૉલી-બૅગમાં ભરીને લઈ ગયા હતા. આ દસ્તાવેજ કાનૂન મંત્રાલયે તૈયાર કર્યા છે. આ બેઠકનો ઉદ્દેશ બંધારણ (૧૨૯મા સુધારા) વિધેયક અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સંશોધન) વિધેયકની સમીક્ષા કરવાનો હતો.
આ કમિટીની અધ્યક્ષતા BJPના સંસદસભ્ય પી. પી. ચૌધરી કરી રહ્યા છે. ૩૯ સભ્યોવાળી આ કમિટીમાં કૉન્ગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, જનતા દળ યુનાઇટેડ (JD(U))ના સંજય ઝા, શિવસેનાના ડૉ. શ્રીકાંત શિંદે, આમ આદમી પાર્ટી (AAP)ના સંજય સિંહ અને તૃણમૂલ કૉન્ગ્રેસના કલ્યાણ બૅનરજીનો પણ સમાવેશ છે.