18 January, 2023 01:22 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
જે. પી. નડ્ડા
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : બીજેપીની રાષ્ટ્રીય કારોબારીની મીટિંગમાં ગઈ કાલે પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાની મુદ્દત જૂન ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભારપૂર્વક કહ્યું હતું કે ૨૦૧૯ની ચૂંટણી કરતાં પણ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટી વધારે બેઠકો સાથે જીતશે.
તેમણે જણાવ્યું હતું કે સંરક્ષણપ્રધાન અને પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહે નડ્ડાની મુદત આવતા વર્ષના જૂન સુધી લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને કારોબારીએ સર્વાનુમતે એના પર મંજૂરીની મહોર મારી હતી. નડ્ડાની મુદત વધારવા પાછળ ત્રણ મુખ્ય કારણો છે.
આગામી લોકસભાની ચૂંટણી
આ વર્ષે નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેમાં ત્રિપુરા, મેઘાલય, નાગાલૅન્ડ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગણ સામેલ છે. જેના પછી લોકસભાની ચૂંટણી યોજાવાની છે. નડ્ડાના નેતૃત્વમાં દેશભરમાં સંગઠન ખૂબ મજબૂત થયું છે. નડ્ડાએ દરેક વર્ગ માટે અલગથી મેમ્બરશિપ કૅમ્પેન ચલાવ્યું હતું. જેનો ફાયદો બીજેપીને ચૂંટણીઓમાં થયો છે.
મોદી-શાહ સાથે સારા સંબંધ
નડ્ડાની સૌથી મોટી સફળતા એ છે કે તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષના પદે રહીને પાર્ટી અને સરકારની વચ્ચે સારી રીતે સંતુલન જાળવી રાખ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની સાથે તેમના સારા સંબંધો છે. પાર્ટીના જૂના નેતાઓના પણ નડ્ડા ફેવરિટ છે.
હિમાચલની હાર બાદ હટાવાય તો ખોટો મેસેજ જવાનો ખતરો
હિમાચલ પ્રદેશમાં બીજેપીને આ વખતે હાર મળી હતી. જે.પી.નડ્ડા હિમાચલ પ્રદેશના જ છે. એવામાં જો તેમને અધ્યક્ષપદેથી હટાવવામાં આવે તો એનાથી ખોટો મેસેજ જાય. હિમાચલ પ્રદેશમાં હારની જેટલી ચર્ચા નહોતી થઈ એનાથી વધારે ચર્ચા નડ્ડાને હટાવવાથી થઈ શકે. એવામાં હિમાચલ પ્રદેશની હારની અસર બીજાં રાજ્યોની ચૂંટણીઓ પર પણ પડે એવો ખતરો હતો.