મહિલાઓના બલિદાનને પુરુષોએ સમજવાની જરૂર છે

11 July, 2024 07:20 AM IST  |  Telangana | Gujarati Mid-day Correspondent

જૉઇન્ટ બૅન્ક અકાઉન્ટ અને પતિના ATMનો ઍક્સેસ એ પરિણીત મહિલાનો અધિકાર છે એમ કહીને સુપ્રીમ કોર્ટે કહ્યું...

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર

પતિ સાથે બૅન્કમાં જૉઇન્ટ અકાઉન્ટ અને તેના ઑટોમેટેડ ટેલર મશીન (ATM)નું ઍક્સેસ એ પરિણીત મહિલાનો અધિકાર છે એમ સુપ્રીમ કોર્ટે એક મુસ્લિમ મહિલાના ભરણપોષણના દાવાના કેસમાં જણાવીને ઉમેર્યું હતું કે ગૃહિણી દ્વારા ભજવવામાં આવતી અનિવાર્ય ભૂમિકા અને પરિવાર માટે તેના દ્વારા આપવામાં આવતા બલિદાનને પુરુષોએ સમજવાની જરૂર છે.

સુપ્રીમ કોર્ટના જજ બી. વી. નાગરત્ના અને જ​સ્ટિસ ઑગસ્ટિન જ્યૉર્જ મસીહે જણાવ્યું હતું કે ‘છૂટાછેડા લેનારી મુસ્લિમ મહિલા પણ ક્રિમિનલ પ્રોસીજર કોડ (CrPc) હેઠળ ભરણપોષણનો દાવો કરી શકે છે. આ કાયદો તમામ મહિલાઓને લાગુ પડે છે, ભલે પછી એ મુસ્લિમ હોય. ભરણપોષણ એ ચૅરિટી નથી, પણ મહિલાનો અધિકાર છે. આ અધિકાર ધાર્મિક સીમાઓ પાર કરે છે. પતિએ તેની પત્નીને નાણાકીય સહાય પૂરી પાડવી જરૂરી છે.’

તેલંગણના મોહમ્મદ અબ્દુલ સમદની અરજી પર આ ચુકાદો આવ્યો છે. ફૅમિલી કોર્ટ દ્વારા તેને પત્નીને દર મહિને ૨૦,૦૦૦ રૂપિયાનું ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સમદે આ ચુકાદાને તેલંગણ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો અને આ રકમ ઘટાડીને ૧૦,૦૦૦ રૂપિયા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેના વકીલે દલીલ કરી હતી કે છૂટાછેડા લીધેલી મહિલા મુસ્લિમ પર્સનલ કાયદાનો આશરો લઈ શકે છે જે તેને CrPc કરતાં વધારે સુરક્ષા પ્રદાન કરે છે. જોકે ઍમિકસ ક્યુરી ગૌરવ અગ્રવાલે દલીલ કરી હતી કે મુસ્લિમ પર્સનલ જેન્ડર-ન્યુટ્રલ તટસ્થ CrPc હેઠળ રાહત મેળવવાના મહિલાના અધિકારને છીનવી લેતો નથી.

 

telangana supreme court national news india