વૉટ્સઍપ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી જનહિતની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

15 November, 2024 06:58 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

અરજદારે એ બાબત પર પણ પ્રકાશ ફેંક્યો કે અદાલતના સમન્સ અને કાનૂની નોટિસ મોકલવા માટે વૉટ્સઍપ જેવી મેસેજિંગ સર્વિસ પર નિર્ભરતા રાખવામાં ખતરો છે

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર

ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT)ના નવા નિયમોનું પાલન કરવાનો ઇનકાર કરવા માટે વૉટ્સઍપ પર પ્રતિબંધ મૂકવાનો કેન્દ્ર સરકારને નિર્દેશ આપવાની માગણી કરતી જનહિતની અરજીને ગઈ કાલે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચે આ આદેશ આપ્યો હતો. અરજદાર ઓમનાકુટ્ટન કેજીએ આ પહેલાં કેરલા હાઈ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં કેન્દ્ર સરકારને આવો જ નિર્દેશ આપવાની માગણી કરવામાં આવી હતી.

ઓમનાકુટ્ટને આ અરજી ત્યારે દાખલ કરી હતી જ્યારે વૉટ્સઍપે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (ઇન્ટરમિડિયેટરી ગાઇડલાઇન્સ ઍન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમ ૨૦૨૧ને દિલ્હી હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. જૂન ૨૦૨૧માં કેરલા હાઈ કોર્ટે આ જનહિતની અરજીને સમય પહેલાં હોવાનું જણાવીને રદ કરી હતી એથી અરજદારે સુપ્રીમ કોર્ટનો આશરો લીધો હતો.

અરજદારે દાવો કર્યો હતો કે વૉટ્સઍપે દિલ્હી હાઈ કોર્ટમાં એમ જણાવ્યું છે કે ‘નવા નિયમ માટે એ જવાબ આપવા બંધાયેલી નથી, કારણ કે ઍપનું એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન એને મેસેજની ઉત્પત્તિ ક્યાંથી થઈ એની જાણ મેળવતાં રોકે છે. જોકે વૉટ્સઍપની પ્રાઇવસી નીતિ એમ પણ કહે છે કે કેટલીક પરિસ્થિતિમાં એ વપરાશકારો દ્વારા મોકલવામાં આવતા મેસેજને સંગ્રહિત કરશે અને એની પાસે એના સંપર્ક અને અન્ય માહિતીનો ઍક્સેસ છે. આ ઍપમાં સુરક્ષાની ઊણપ છે અને એ રાષ્ટ્રવિરોધી પણ છે અને એમાં અસામાજિક તત્ત્વો ભરેલાં છે જેઓ ખોટા ન્યુઝ ફેલાવે છે અને ખોટી તસવીરો મૂકે છે.’

અરજદારે એ બાબત પર પણ પ્રકાશ ફેંક્યો કે અદાલતના સમન્સ અને કાનૂની નોટિસ મોકલવા માટે વૉટ્સઍપ જેવી મેસેજિંગ સર્વિસ પર નિર્ભરતા રાખવામાં ખતરો છે, કારણ કે આવા સંદેશની પ્રામાણિકતાની ગૅરન્ટી આપવામાં આવતી નથી

 

national news india whatsapp supreme court information technology act