નરેન્દ્ર મોદીને ૬ વર્ષ સુધી બૅન કરવા માગતી અરજીને સુપ્રીમ કોર્ટે ડિસમિસ કરી દીધી

15 May, 2024 08:39 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

અરજદારને આ અરજી પાછી ખેંચી લેવાની પરવાનગી આપવામાં આવી હતી

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભગવાનનાં વિવિધ સ્વરૂપો અને પ્રાર્થનાસ્થળોના નામે મત માગી રહ્યા છે એથી તેમના પર ૬ વર્ષ સુધી ચૂંટણી લડવાનો પ્રતિબંધ મૂકી દેવો જોઈએ એવો ચૂંટણીપંચને આદેશ આપવા માટેની માગણી કરતી અરજીને ગઈ કાલે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ વિક્રમનાથના વડપણ હેઠળની બેન્ચે અરજદારના વકીલને કહ્યું હતું કે ‘બંધારણના આર્ટિકલ ૩૨ હેઠળ આ પ્રકારની અરજી તમે સીધી સુપ્રીમ કોર્ટમાં કરી છે, પણ એને સ્વીકારી શકાય નહીં. આવી અરજી પહેલાં સંબંધિત ઑથોરિટી સમક્ષ કરવી જોઈએ.’

આ બેન્ચના અન્ય મેમ્બર જસ્ટિસ એસ. સી. શર્માએ કહ્યું હતું કે હું અરજદારને આ અરજી પાછી ખેંચી લેવાની પરવાનગી આપી શકું છું. આ સમયે અરજદારે ચૂંટણીપંચ સમક્ષ અરજી કરવાની છૂટ માગી હતી. જોકે આવી છૂટ આપવાને બદલે સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

દિલ્હીમાં રહેતી અરજદાર ફાતિમાએ કહ્યું હતું કે વડા પ્રધાન સામે કોઈ પણ પ્રકારનાં પગલાં ચૂંટણીપંચે લીધાં નથી એથી તેને સુપ્રીમ કોર્ટમાં આવવાની ફરજ પડી હતી. અરજદારે કોર્ટને કહ્યું હતું કે વડા પ્રધાન મોદી માત્ર હિન્દુ અને સિખના ભગવાન અને તેમનાં પ્રાર્થનાસ્થળોના નામે મત માગે છે એટલું જ નહીં, એવી ટિપ્પણી પણ કરે છે કે વિરોધ પક્ષો મુસ્લિમોની તરફદારી કરે છે.
આ પહેલાં એપ્રિલમાં પણ આવી જ માગણી કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

national news narendra modi supreme court delhi news