12 June, 2024 10:48 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
NEET-UGની પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિના વિરોધમાં ગઈ કાલે કલકત્તામાં તૃણમૂલ છાત્ર પરિષદે મોરચો કાઢ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે નૅશનલ એન્ટ્રન્સ એલિજિબિલિટી ટેસ્ટ-અન્ડર ગ્રૅજ્યુએટ (NEET-UG) 2024 પરીક્ષાના ૪ જૂને જાહેર થયેલા રિઝલ્ટ બાદ કથિત ગરબડની આશંકાના પગલે દેશભરમાં થઈ રહેલાં વ્યાપક પ્રદર્શનો વચ્ચે પરીક્ષાને રદ કરીને નવેસરથી પરીક્ષાના આયોજનની માગણીવાળી અરજીઓ પર સુનાવણી કરી હતી અને આ મુદ્દે કેન્દ્ર સરકાર અને નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસો મોકલી હતી. સ્ટુડન્ટ્સ પરીક્ષાને રદ કરીને નવેસરથી પરીક્ષા યોજવાની માગણી કરી રહ્યા છે.
જોકે હાલમાં NEET UG 2024 પરીક્ષાના રિઝલ્ટને રદ નહીં કરાય અને પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ એના આધારે ઍડ્મિશનની પ્રક્રિયા પૂરી કરવા માટે કાઉન્સેલિંગ પર પણ રોક લગાવી નથી. આ કેસમાં હવે આગલી સુનાવણી ૮ જુલાઈએ ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની કોર્ટમાં થશે. NEET UG 2024 પરીક્ષા રદ કરવાની માગણી ડૉ. વિવેક પાંડે, શિવાંગી મિશ્રા અને અન્ય દ્વારા કરવામાં આવી છે. પહેલી જૂને કરવામાં આવેલી આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે બિહાર પોલીસ દ્વારા NEET UG 2024 પરીક્ષાનાં પેપર લીક થવાના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે.
૧૭ મેના ચીફ જસ્ટિસે આ પ્રકારની અરજીઓની સુનાવણી કરી હતી, પણ પરીક્ષાનાં પરિણામ જાહેર કરવા પર રોક લગાવી નહોતી. બીજી તરફ NTAએ ૧૬૦૦ સ્ટુડન્ટ્સની ફરિયાદોનો મુદ્દો ઉચ્ચ પાવર ધરાવતી કમિટીને સોંપ્યો છે, જે આ બાબતે તપાસ કરશે.
ગ્રેસ માર્ક આપવાને પડકાર
આંધ્ર પ્રદેશના અરજદાર જરીપતે કાર્તિક દ્વારા કરવામાં આવેલી અરજીમાં તેણે NEET UG 2024 પરીક્ષામાં ૧૫૩૬ સ્ટુડન્ટ્સને ગ્રેસ માર્ક આપવાના નિર્ણયને પડકાર આપ્યો છે. આંધ્ર પ્રદેશ અને તેલંગણના અબ્દુલ્લાહ મોહમ્મદ અને ડૉ. શેખ રોશન દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે સ્ટુડન્ટ્સને ગ્રેસ માર્ક આપવાનું કોઈ તાર્કિક કારણ નથી, એ સમયની બરબાદી છે. આ મુદ્દે NTA દ્વારા NEET UG 2024ના ઇન્ફર્મેશન બુલેટિનમાં કોઈ જાણકારી અપાઈ નથી.
શું ફરિયાદ છે અરજદારોની?
અરજદારોએ જણાવ્યું હતું કે કેટલાક સ્ટુડન્ટ્સને વિશેષ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. ૭૨૦માંથી ૭૨૦ માર્ક આવવા મુશ્કેલ છે. છતાં એક કોચિંગ સેન્ટરના ૬૭ સ્ટુડન્ટ્સને ૭૨૦ માર્ક મળ્યા છે. ૬ સ્ટુડન્ટ્સ તો એક જ પરીક્ષા-સેન્ટરના હતા. ગ્રેસ માર્ક કોને આપવામાં આવ્યા એનું લિસ્ટ પણ જાહેર કરાયું નથી. આ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ છે અને એમાં સાયન્ટિફિક અને મેડિકલ જ્ઞાન હોવું આવશ્યક છે. ચીટિંગ કરીને કે ખોટી રીતે માર્ક મેળવવામાં આવે તો એનાથી દરદીઓના જાનને જોખમ થઈ શકે છે.
શું છે NEET UG 2024 પરીક્ષા?
મેડિકલ, ડેન્ટલ, આયુષ અને નર્સિંગના ગ્રૅજ્યુએશન કોર્સમાં ઍડ્મિશન માટે NTA દ્વારા પાંચમી મેના NEET UG 2024 પરીક્ષા લેવામાં આવી હતી અને ૪ જૂને એનાં પરિણામ જાહેર કરવામાં આવ્યાં હતાં.